Vadodara News: વડોદરા જિલ્લાના પાદરા તાલુકામાં ચાલુ વર્ષે ચોમાસાની ઋતુમાં વરસાદ ખેંચાતા ખેડૂતો ભારે મુશ્કેલીમાં મુકાયા છે. વરસાદના અભાવે ખેતરોમાં ઊભા પાકને વ્યાપક નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે, જેના કારણે ખેડૂતોની આર્થિક સ્થિતિ અત્યંત કફોડી બની ગઈ છે. આ ગંભીર પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને પાદરા તાલુકાને તાત્કાલિક અસરથી 'દુષ્કાળગ્રસ્ત' જાહેર કરવાની માંગ સાથે પાદરા તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા એક વિશાળ ટ્રેક્ટર રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ વિરોધ પ્રદર્શન અને ટ્રેક્ટર રેલી વડોદરા જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ અને પૂર્વ ધારાસભ્ય જશપાલસિંહ પઢીયાર તેમજ પાદરા તાલુકા કોંગ્રેસ પ્રમુખ હાર્દિક પટેલની આગેવાની હેઠળ યોજાઈ હતી. આ રેલીનો પ્રારંભ પાદરાના મુવાલ ગામેથી થયો હતો. મુવાલથી શરૂ થયેલી આ રેલી વડુ અને મહઉવડ જેવા વિવિધ ગ્રામ્ય વિસ્તારોમાંથી પસાર થઈને પાદરા નગરમાં પ્રવેશી હતી. આ રેલીમાં તાલુકાના અનેક ગામોમાંથી મોટી સંખ્યામાં ખેડૂતો પોતપોતાના ટ્રેક્ટરો સાથે જોડાયા હતા અને કોંગ્રેસના કાર્યકરો સાથે મળી સરકાર વિરોધી અને ખેડૂત હિતના સૂત્રોચ્ચાર કર્યા હતા.
કોંગ્રેસના આગેવાનો અને ખેડૂત પ્રતિનિધિઓએ જણાવ્યું હતું કે, પૂરતા વરસાદના અભાવે વરસાદ આધારિત વાવેતર સુકાઈ રહ્યું છે અને ખેડૂતોએ બિયારણ, ખાતર તથા મજૂરી પાછળ કરેલો ખર્ચ માથે પડે તેમ છે. આ પરિસ્થિતિમાંથી ખેડૂતોને ઉગારવા માટે મામલતદાર કચેરી ખાતે પહોંચીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. આ આવેદનપત્રમાં પાદરા તાલુકાને સત્તાવાર રીતે દુષ્કાળગ્રસ્ત જાહેર કરવા, પીડિત ખેડૂતોને તાત્કાલિક આર્થિક તથા પાક સહાય ચૂકવવા, સિંચાઈ માટે દૈનિક ૧૬ કલાક પૂરતો વીજ પુરવઠો પૂરો પાડવા અને સુકાઈ રહેલા પાકને બચાવવા માટે નર્મદા નહેરમાં સત્વરે પાણી છોડવાની મુખ્ય માંગણીઓ રજૂ કરવામાં આવી છે.
મામલતદાર કચેરી ખાતે ભારે વિરોધ પ્રદર્શન બાદ આવેદનપત્ર સુપ્રત કરી ચેતવણી આપવામાં આવી હતી કે જો સરકાર દ્વારા ખેડૂતોના હિતમાં વહેલી તકે યોગ્ય નિર્ણયો લેવામાં નહીં આવે, તો આગામી દિવસોમાં આ આંદોલનને વધુ તીવ્ર બનાવવામાં આવશે. આ કાર્યક્રમમાં જિલ્લા અને તાલુકા કોંગ્રેસના હોદ્દેદારો, સ્થાનિક આગેવાનો તથા મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
