Vadodara News: વડોદરા જિલ્લાના યાત્રાધામ ચાંદોદ (ચાણોદ ખાતે આવેલા જ્ઞાનસાધના આશ્રમમાંથી મૂળ આસામના વતની બે કિશોરો કોઈને જાણ કર્યા વિના રાત્રિના સમયે નીકળી જતાં ચકચાર મચી ગઈ છે. આ ઘટના અંગે આશ્રમ સંચાલકો દ્વારા ચાંદોદ પોલીસ મથકમાં જાણ કરવામાં આવતા પોલીસે ગુમ થયાની નોંધ લઈ બંને કિશોરોની સઘન શોધખોળ શરૂ કરી છે.
બે કિશોર આશ્રમમાંથી ગુમ થયા
આ ઘટનાની વિગતો મુજબ, ચાંદોદની હાઈસ્કૂલ નજીકના વિસ્તારમાં જ્ઞાનસાધના આશ્રમ આવેલો છે. અહીં મૂળ કેરળાના વતની અને હાલ આશ્રમમાં સેવા-પૂજાની કામગીરી સંભાળતા 44 વર્ષીય મનોજ મોહને પોલીસ સમક્ષ હકીકત રજૂ કરી હતી કે આશ્રમમાં રહેતા અને આસામના પરિવાર સાથે સંકળાયેલા બે કિશોરો ગત 23 નવેમ્બરની રાત્રે 11:45 વાગ્યાના અરસામાં આશ્રમમાંથી ગુમ થઈ ગયા છે. લાપતા થયેલા કિશોરોમાં થાઈવાહ સંતાશરાય રિયાંગ (ઉં.વ. 12) અને ઈસ્માઈલા રોહિતજોય રિયાંગ (ઉં.વ. 15)નો સમાવેશ થાય છે.
સીસીટીવીમાં કિશોરો સામાન લઈ જતાં દેખાયા
બનાવની જાણ થતાં જ ચાંદોદ પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને આશ્રમ પરિસર તથા આસપાસના વિસ્તારમાં સ્થળ નિરીક્ષણ કર્યું હતું. આ દરમિયાન આશ્રમના સીસીટીવી કેમેરાના ફૂટેજ તપાસતા બંને કિશોરો પોતાના બેગ-બિસ્તરા સાથે આશ્રમમાંથી બહાર નીકળતા સ્પષ્ટપણે કેદ થયા હોવાનું સામે આવ્યું છે. આ દ્રશ્યો પરથી બંને પોતાનો સામાન લઈને જ ગયા હોવાનું પ્રાથમિક રીતે ફલિત થાય છે.
કિશોરોના પરિવારજનોને જાણ કરવામાં આવી
પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, આ બંને કિશોરો અગાઉ પણ આશ્રમ છોડીને પોતાના વતન આસામ ચાલ્યા ગયા હતા. જેના પગલે પોલીસે આ દિશામાં પણ તપાસ કેન્દ્રિત કરી છે. કિશોરોના પરિવારજનો અને સગા-સંબંધીઓને આ અંગે જાણ કરી દેવામાં આવી છે, તેમજ તેઓ પોતાના ઘરે કે આસામમાં પહોંચ્યા છે કે કેમ તે અંગે ખાતરી કરવા તજવીજ હાથ ધરવામાં આવી છે.
હાલ આ સમગ્ર મામલે તપાસ અધિકારી પી.આઈ. એન.એમ. આહિરના માર્ગદર્શન હેઠળ બંને ગુમ કિશોરોને શોધી કાઢવા માટે અલગ-અલગ દિશામાં તપાસ અને કાયદેસરની કાર્યવાહી ચાલી રહી છે.
