Vadodara News:વડોદરા જિલ્લાના વાઘોડિયા તાલુકામાં આવેલા વલવા ગામ નજીક નર્મદાની મેઈન કેનાલ બ્રિજ પાસેની ઝાડી-ઝાંખરામાંથી એક યુવકનો ભેદી સંજોગોમાં મૃતદેહ મળી આવતાં સમગ્ર વાઘોડિયા અને આસપાસના વિસ્તારમાં ભારે ચકચાર મચી જવા પામી છે. મૃતકની ઓળખ વાઘોડિયા તાલુકાના ગંભીરપુરા ગામના રહીશ પઢિયાર સંજયસિંહ ઉમેદસિંહ તરીકે થઈ છે.
મળતી માહિતી અનુસાર, સંજયસિંહ પાદરા નજીક આવેલી જાણીતી 'બીડીઆર (BDR) ફાર્મા' કંપનીમાં નોકરી કરતા હતા. તેઓ છેલ્લા બે દિવસથી પોતાની નોકરી પર ગયા નહોતા અને શનિવારે બપોર બાદ અચાનક પોતાના ઘરેથી પણ ગુમ થઈ ગયા હતા. પરિવારે તેમની સતત શોધખોળ હાથ ધરી હતી પરંતુ કોઈ પત્તો મળ્યો નહોતો. તે દરમિયાન વલવા ગામ પાસે નર્મદા કેનાલ નજીક તેમનું બાઈક પણ બિનવારસી હાલતમાં મળી આવ્યું હતું.
ઝાડી-ઝાંખરામાંથી બાઈકના આધારે તપાસ કરતાં સંજયસિંહનો મૃતદેહ મળી આવ્યો હતો. ઘટનાની જાણ થતાં જ ઘટનાસ્થળે ગ્રામજનો અને પરિવારજનોના મોટા ટોળાં એકઠા થઈ ગયા હતા. બે નાના બાળકોના પિતા એવા સંજયસિંહના આકસ્મિક મોતથી ગંભીરપુરા ગામમાં અરેરાટી વ્યાપી ગઈ છે અને પરિવારે પોતાની છત્રછાયા ગુમાવતા આક્રંદ છવાઈ ગયો છે.
સ્થાનિક ગ્રામજનો અને પરિવારજનોએ આશંકા વ્યક્ત કરી છે કે સંજયસિંહની કોઈ અજાણ્યા શખ્સો દ્વારા હત્યા કરવામાં આવી છે અને પુરાવાનો નાશ કરવાના ઈરાદાથી મૃતદેહને કેનાલ નજીક ઝાડીઓમાં ફેંકી દેવામાં આવ્યો છે.
ઘટના અંગે વાઘોડિયા પોલીસને જાણ કરવામાં આવતાં જ પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પોલીસે પરિસ્થિતિનો તાગ મેળવી મૃતદેહનો કબજો લઈ તેને પોસ્ટમોર્ટમ અર્થે સરકારી હોસ્પિટલ ખસેડ્યો છે. પોલીસે જણાવ્યા અનુસાર, પીએમ રિપોર્ટ આવ્યા બાદ જ મોતનું સાચું કારણ સ્પષ્ટ થશે. હાલમાં આ બનાવ આત્મહત્યાનો છે, અકસ્માત કે પછી હત્યા, તે તમામ ગુનાહિત દિશાઓમાં પોલીસે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી છે.
