વડોદરા જેલમાં બંધ ચૈતર વસાવાને મળવા જશે અરવિંદ કેજરીવાલ, આપ નેતાની મુલાકાત પાછળ શું છે રાજકીય ગણિત?

વડોદરા જેલમાં બંધ AAP ધારાસભ્ય ચૈતર વસાવાને મળવા અરવિંદ કેજરીવાલ ગુજરાત આવી રહ્યા છે. જાણો આ જેલ મુલાકાત પાછળનું સમગ્ર રાજકીય ગણિત.

By: Jignesh TrivediEdited By:Jignesh TrivediPublish Date: Mon, 17 Aug 2026 05:38 PM (IST)Updated: Mon, 17 Aug 2026 05:38 PM (IST)
arvind-kejriwal-will-meet-chaitar-vasava-in-vadodara-jail

Arvind Kejriwal Gujarat Visit: ગુજરાતના આદિવાસી પટ્ટાના રાજકારણમાં ફરી એકવાર મોટા રાજકીય મંથાણના એંધાણ વર્તાઈ રહ્યા છે. ડેડિયાપાડાના આમ આદમી પાર્ટી (AAP)ના ધારાસભ્ય ચૈતર વસાવા છેલ્લા ઘણા સમયથી વડોદરા સેન્ટ્રલ જેલમાં સળિયા પાછળ છે, ત્યારે હવે તેમને મળવા માટે પક્ષના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ પોતે ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. સંભાવના મુજબ, કેજરીવાલ આજે ગુજરાત પહોંચશે અને આવતીકાલે વડોદરા સેન્ટ્રલ જેલ ખાતે ચૈતર વસાવા સાથે રૂબરૂ મુલાકાત કરશે. આ હાઈ-પ્રોફાઈલ જેલ મુલાકાતને પગલે રાજ્યના રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચા જાગી છે.

શું છે સમગ્ર મામલો અને કાનૂની સ્થિતિ?

વનવિભાગના કર્મચારી પર હુમલો કરવાના ચર્ચાસ્પદ કેસમાં સ્થાનિક અદાલતે ચૈતર વસાવા, તેમના ધર્મપત્ની શકુંતલાબેન વસાવા સહિત કુલ 9 લોકોને 7 વર્ષની કેદ અને દંડની સજા સંભળાવી હતી. આ કેસમાં કાનૂની લડત બાદ એક પછી એક તમામ આરોપીઓના જામીન મંજૂર થઈ ચૂક્યા છે અને ચૈતર વસાવાના પત્ની પણ જેલમુક્ત થઈ ગયા છે. જોકે, ચૈતર વસાવા હજુ સુધી વડોદરા જેલમાં જ બંધ છે. આ મામલે આગામી 24મી તારીખે કોર્ટમાં મહત્વપૂર્ણ સુનાવણી હાથ ધરાનાર છે, જેના પર સૌની નજર ટકેલી છે.

આંતરિક અસંતોષ ટાળવાનો પ્રયાસ

રાજકીય વિશ્લેષકોના મતે, કેજરીવાલની આ મુલાકાત પાછળ માત્ર કાનૂની મદદ નહીં પરંતુ પક્ષનો એક મોટો રાજકીય ડર પણ જવાબદાર છે. અગાઉ ‘આપ’ના અગ્રણી નેતા રાજુ કરપડાએ પક્ષમાંથી રાજીનામું આપી ભાજપનો કેસરીયો ધારણ કર્યો હતો. તે સમયે તેમણે ગંભીર આક્ષેપ કર્યો હતો કે મુશ્કેલીના સમયે પક્ષના પ્રદેશ કે રાષ્ટ્રીય નેતાઓ તેમની પડખે ઊભા રહ્યા નહોતા.

ચૈતર વસાવા આદિવાસી સમાજનો ખૂબ જ લોકપ્રિય અને સક્રિય ચહેરો છે. જેલવાસ દરમિયાન તેમના મનમાં પક્ષ પ્રત્યે કોઈ નારાજગી કે અસંતોષ ઊભો ન થાય તે માટે કેજરીવાલ પોતે જેલમાં જઈને તેમને ‘ઓલ ઈઝ વેલ’નો સંદેશ આપવા માંગે છે. આ સાથે પક્ષની લીગલ ટીમ પણ કેસની કાનૂની બાબતો પર સતત નજર રાખી રહી છે.

ભાજપ પર ષડયંત્રના આક્ષેપો અને 'આપ'નું શક્તિ પ્રદર્શન

બીજી તરફ, ચૈતર વસાવા ભવિષ્યમાં ભાજપમાં જોડાઈ શકે છે તેવી અટકળો પણ સમયાંતરે વહેતી થઈ છે. આ અંગે પ્રહાર કરતા ‘આપ’ના પ્રદેશ નેતા ગોપાલ ઈટાલિયાએ ભાજપ પર આકરા આક્ષેપો કર્યા છે. તેમણે જણાવ્યું કે, ભાજપ કોઈપણ ભોગે આદિવાસી નેતા ચૈતર વસાવાને પોતાના પક્ષમાં ખેંચવા માંગે છે અને તે માટે જ આ સમગ્ર ષડયંત્ર રચવામાં આવ્યું છે.

ધારાસભ્યના સમર્થનમાં આમ આદમી પાર્ટીએ પોતાની પૂરી તાકાત ઝોંકી દીધી છે. ઈશુદાન ગઢવી, ગોપાલ ઈટાલિયા અને મનોજ સોરઠીયા સહિતના તમામ શીર્ષ નેતાઓ મેદાનમાં ઊતર્યા છે. ડેડિયાપાડા, રાજપીપળા સહિતના સમગ્ર દક્ષિણ ગુજરાતના આદિવાસી વિસ્તારોમાં ચૈતર વસાવાના સમર્થનમાં જનસભાઓ, સમર્થન રેલીઓ અને પોસ્ટર ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે.