Vadodara News:પાવાગઢમાં આસો નવરાત્રી નિમિત્તે ફૂડ વિભાગની કાર્યવાહી, 50થી વધુ સ્ટોલ પર આકસ્મિક તપાસ

તંત્ર દ્વારા પાવાગઢ અને તેની આસપાસના વિસ્તારમાં આવેલા ખાણીપીણીના વિવિધ ૫૦થી વધુ સ્ટોલ, હોટલો અને દુકાનોમાં સઘન ચેકિંગ પ્રક્રિયા હાથ ધરાઈ હતી.

By: Nilesh ZinzuwadiaEdited By:Nilesh ZinzuwadiaPublish Date: Fri, 16 Oct 2026 10:58 PM (IST)Updated: Fri, 16 Oct 2026 10:58 PM (IST)
action-taken-by-the-food-and-drugs-department-at-pavagadh-on-the-occasion-of-aso-navratri

Vadodara News:સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે આસો નવરાત્રીના પવિત્ર તહેવાર દરમિયાન ગુજરાત ઉપરાંત મધ્યપ્રદેશ, રાજસ્થાન અને મહારાષ્ટ્ર જેવા પડોશી રાજ્યોમાંથી લાખોની સંખ્યામાં માઇભક્તો માતાજીના દર્શનાર્થે ઉમટી પડે છે. આ દિવસોમાં ધામમાં આવતા દર્શનાર્થીઓના આરોગ્યની સુરક્ષા સુનિશ્ચિત કરવા અને તેમને શુદ્ધ તથા ગુણવત્તાસભર આહાર મળી રહે તે હેતુથી ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા એક વિશેષ તપાસ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી.

તંત્ર દ્વારા પાવાગઢ અને તેની આસપાસના વિસ્તારમાં આવેલા ખાણીપીણીના વિવિધ ૫૦થી વધુ સ્ટોલ, હોટલો અને દુકાનોમાં સઘન ચેકિંગ પ્રક્રિયા હાથ ધરાઈ હતી. આ આકસ્મિક તપાસ દરમિયાન અધિકારીઓને સ્થળ પરથી આશરે ₹૩૬,૯૫૯ની કિંમતનો એક્સપાયર થયેલો અને બિનઆરોગ્યપ્રદ ખાદ્ય જથ્થો મળી આવ્યો હતો. ભક્તોના સ્વાસ્થ્યને નુકસાન ન પહોંચે તે માટે આ તમામ વાસી તથા એક્સપાયર થઈ ગયેલા જથ્થાનો અધિકારીઓએ સ્થળ પર જ તાત્કાલિક નાશ કરાવ્યો હતો. આ ઉપરાંત, ખાદ્યપદાર્થોની ગુણવત્તા ચકાસવા માટે જુદા જુદા વેપારીઓ પાસેથી કુલ ૩૦ જેટલા ખાદ્ય નમૂનાઓ એકત્રિત કરીને લેબોરેટરી પરીક્ષણ અર્થે મોકલી આપવામાં આવ્યા છે.

માત્ર દંડનીય કાર્યવાહી સુધી સીમિત ન રહેતા, ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા વિશેષ ‘ફૂડ સેફ્ટી વાન’ ના માધ્યમથી લોકજાગૃતિનો કાર્યક્રમ પણ યોજાયો હતો. આ વાન દ્વારા પાવાગઢ આવતા શ્રદ્ધાળુઓને ખાદ્ય સુરક્ષા અને સ્વચ્છતાના નિયમો અંગે ઉપયોગી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. દર્શનાર્થીઓને કોઈપણ ખાદ્ય વસ્તુ ખરીદતી વખતે તેની ગુણવત્તા, પેકિંગ તારીખ અને એક્સપાયરી ડેટ ખાસ ચકાસીને જ ખરીદી કરવાની વિનંતી કરવામાં આવી હતી.

તહેવારો દરમિયાન વેપારીઓ સંપૂર્ણ સ્વચ્છતા જાળવે, ગુણવત્તાયુક્ત ચીજવસ્તુઓનું જ વેચાણ કરે અને ગ્રાહકોના જીવ સાથે ચેડાં ન થાય તે હેતુથી આ કામગીરી કરવામાં આવી હતી. લાખો માઇભક્તોની સેહતની જાળવણી કરવી અને સુરક્ષિત વાતાવરણ પૂરું પાડવું એ જ આ ઝુંબેશનો ઉદ્દેશ હતો.