Tapi: તાપી જિલ્લાના સોનગઢમાં ઘરકંકાશના કારણે વધુ એક પરિવારનો માળો વિખેરાયો હોવાનો બનાવ સામે આવ્યો છે. જેમાં પતિ સાથે ઝઘડો થતાં એક મહિલાએ પોતાની બે દીકરીઓ સાથે ઉકાઈ ડેમમાં ઝંપલાવ્યું હતુ. જેમાં મહિલા અને તેની એક દીકરીની લાશ હાથ લાગી છે, જ્યારે હજુ એક પુત્રીની શોધખોળ ચાલી રહી છે.
આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, સોનગઢના બાપાસીતા રામનગરમાં ગોવિંદ પવાર પોતાની પત્ની મંદાકિની અને બે દીકરીઓ ગાયત્રી (7) અને નિકિતા (11) સાથે રહે છે. ગઈકાલે જમવાનું બનાવવા બાબતે ગોવિંદ પવારને પત્ની મંદાકિની સાથે માથાકૂટ થઈ હતી. જેથી લાગી આવતા મંદાકિની પોતાની બન્ને પુત્રીઓને લઈને ઘરેથી નીકળી ગઈ હતી. જે બાદ મંદાકિનીએ બન્ને દીકરીઓ સાથે ઉકાઈ ડેમમાં મોતની છલાંગ લગાવી હતી.
બીજી તરફ આ બનાવની જાણ થતાં પોલીસે ઘટના સ્થળે પહોંચીને તપાસ હાથ ધરી હતી. આ દરમિયાન ગઈકાલે જ મંદાકિનીનો મૃતદેહ કપૂરા નજીકથી મળી આવ્યો હતો. જ્યારે આજે ખુશાલપુરા પાસેથી ગાયત્રીની લાશ મળી આવી હતી. જો કે હજુ નિકિતાની કોઈ ભાળ ના મળતા તેની શોધખોળ ચાલી રહી છે. હાલ તો આ મામલે પોલીસે ગોવિંદ પવારની ફરિયાદ નોંધીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. (In Pic: ફાઈલ ફોટો)
