Bharuch: અંકલેશ્વરના સ્ક્રેપ માર્કેટમાં ભીષણ આગ, 5 ગોડાઉન બળીને ખાક; ભડકોદ્રા ગામના લોકોને શ્વાસ લેવામાં તકલીફ

અગાઉ રાજકોટની એટલાન્ટિસ બિલ્ડિંગમાં લાગેલી આગમાં 3ના મોત થયા હતા. જ્યારે સુરતમાં પણ બે મિલમાં આગની ઘટનામાં કરોડોનો માલ સ્વાહા થયો છે.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Fri, 14 Mar 2025 11:03 PM (IST)Updated: Fri, 14 Mar 2025 11:04 PM (IST)
bharuch-news-5-scrap-godown-caught-fire-in-ankleshwar
HIGHLIGHTS
  • ફાયર બ્રિગેડની 10થી વધુ ગાડીઓનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો

Bharuch: આજે ધૂળેટીના દિવસે ગુજરાતમાં આગની ઘટનાઓની ભરમાર જોવા મળી હતી. જેમાં સવારે રાજકોટની એટલાન્ટિસ બિલ્ડિંગમાં ભીષણ આગ બાદ સુરતમાં પણ બે કંપની અને ગોડાઉનમાં ભીષણ આગ ભભૂકી ઉઠતા કરોડો રૂપિયાનું નુકસાન થયાનો અંદાજો છે. એવામાં મોડી સાંજે ભરૂચ જિલ્લાના અંકલેશ્વરમાં આવેલી સ્ક્રેપ માર્કેટમાં આગનો બનાવ સામે આવ્યો છે.

આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, નેશનલ હાઈવે નંબર 48 સ્થિત ભડકોદ્રા ગામ નજીક આવેલા નોબલ સ્ક્રેપના માર્કેટમાં અચાનક ભીષણ આગ ભભૂકી ઉઠી હતી. થોડીવારમાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતાં આજુબાજુના 8 ગોડાઉનને ઝપેટમાં લઈ લીધા હતા. જે પૈકી 5 ગોડાઉન તો બળીને ખાક થઈ ગયા હતા.

બીજી તરફ આ બનાવની જાણ થતાં ફાયર બ્રિગેડની 10થી વધુ ગાડીઓનો કાફલો ઘટના સ્થળે પહોંચી ચૂક્યો છે. હાલ પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.

આ આગ એટલી વિકરાળ છે કે, દૂર-દૂર સુધી આગની જ્વાળાઓ જોવા મળી રહી છે. આગના કાળા ધૂમાડા હવામાં ફેલાતા નજીકમાં આવેલા ભાડકોડ્રા ગામમાં લોકોને આંખોમાં બળતરા અને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી હોવાનું જાણવા મળ્યું છે.

આવી જ રીતે સુરતના સચિન વિસ્તારમાં આવેલી પ્લેટિનિયમ કાપડની મિલમાં ઈલેક્ટ્રિક ડીપીમાં બ્લાસ્ટથી શોર્ટ સર્કિટ થતાં આગ ભડકી હતી. આ સમયે મિલમાં રહેલા યાર્નના કારણે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતાં નજીકમાં આવેલી પાર્થ પ્લાસ્ટિક મિલને પણ બાનમાં લઈ લીધી હતી. સદ્દનસીબે આજે હોળીની રજા હોવાથી મિલમાં કોઈ હાજર ના હોવાથી જાનહાનિ નથી થઈ. જો કે કરોડો રૂપિયાનો માલ આગમાં સ્વાહા થઈ ગયો હોવાનું અનુમાન છે. જ્યારે આજે વહેલી સવારે રાજકોટના એટલાન્ટિસ બિલ્ડિંગના છઠ્ઠા માળે લાગેલી આગમાં 3 લોકોના મોત થયા હોવાનો બનાવ સામે આવ્યો હતો.