Tapi: સાંઢકૂવાની સ્કૂલના વિદ્યાર્થીઓએ રતનજ્યોતના બીજ ખાઈ લેતા તબિયત લથડી, અભ્યાસ વખતે એકાએક ઊલટી થતાં 24ને હોસ્પિટલ ખસેડાયા

એક પછી એક વિદ્યાર્થીઓને ઉલટીઓ થવા લાગતા સ્કૂલ તંત્રમાં દોડધામ. વ્યારાની સિવિલ હોસ્પિટલ વિદ્યાર્થીઓથી ઉભરાઈ

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Thu, 06 Feb 2025 07:36 PM (IST)Updated: Thu, 06 Feb 2025 07:37 PM (IST)
tapi-news-24-school-students-food-poisoning-admit-in-vyara-civil-hospital
HIGHLIGHTS
  • વ્યારાની સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા વિદ્યાર્થીઓની હાલત સ્થિર

Tapi: દક્ષિણ ગુજરાતના તાપી જિલ્લાના સોનગઢ તાલુકાના સાંઢકૂવા ગામની જિલ્લા પંચાયત હસ્તકની પ્રાથમિક શાળાના 24થી વધુ વિદ્યાર્થીઓને ફૂડ પોઈઝનિંગની અસર જોવા મળી છે. જેમાં વિદ્યાર્થીઓએ રતનજ્યોતના બીજ ખાઈ લેતા તેમની તબિયત લથડી જતાં તમામ બાળકોને સારવાર અર્થે વ્યારાની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, સાંઢકૂવા ગામની જિલ્લા પંચાયત હસ્તક આવેલી પ્રાથમિક શાળામાં શિક્ષક વિદ્યાર્થીઓને ભણાવી રહ્યા હતા. આ દરમિયાન એક પછી એક બાળકોને ઉલટીઓ થવા લાગી હતી. જેથી સ્કૂલ વહીવટી તંત્ર દ્વારા તાત્કાલિક વિદ્યાર્થીઓના માતા-પિતાને જાણ કરવામાં આવી હતી. જેમાં 24થી વધુ વિદ્યાર્થીઓની તબિયત વધારે લથડી હોવાથી તેમને વ્યારાની સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.

બીજી તરફ શાળાના આચાર્ય અશ્વિન ગામિતે જણાવ્યું કે, શાળામાં મધ્યાહન ભોજન પહેલા જ બાળકોની તબિયત લથડી હતી. જેથી બાળકોની પૂછપરછ કરતાં તેમણે ગભરાઈને જણાવ્યું કે, અમે રતનજ્યોતના બીજ ખાધા હતા. હજુ સુધી કેટલા બાળકોએ રતનજ્યોતના બીજ ખાધા? તેની ચોક્કસ માહિતી નથી.

જો કે 10 થી 12 બાળકોને ઉલટી થવા લાગી હતી. જે પૈકી સૌથી વધુ 2 થી 3 બાળકોને વધારે ઉલટી થઈ હતી. જેમને ઉલટી કરતાં જોઈને બીજા વિદ્યાર્થીઓને પણ ઉલટી થવા લાગી હતી. હાલ તો તમામ બાળકોની વ્યારાની સિવિલ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે અને તમામની હાલત સ્થિર છે.