Rajkot: હનુમાનગઢી નજીક હિટ એન્ડ રનમાં બાળકનું મોત, બેફામ દોડતી સ્કૂલ બસે પિતાના બાઈક પાસે ઉભા રહેલા પુત્રને ચગદી નાંખ્યો

અકસ્માત સર્જીને ભાગી છૂટેલી બસ શામજી-હરજી તળાવિયા ચેરિટેબલ ટ્રસ્ટ (આર.કે.યુનિવર્સિટી)ની હોવાની આશંકા

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Thu, 06 Feb 2025 06:31 PM (IST)Updated: Thu, 06 Feb 2025 06:31 PM (IST)
rajkot-news-hit-and-run-school-bus-hits-bike-2-years-old-boys-died
ફાઈલ ફોટો
HIGHLIGHTS
  • પાનના ગલ્લે ફાકી લેવા ગયેલા પિતાની નજર સામે જ પુત્રનું કમકમાટીભર્યું મોત

Rajkot: શહેરના હનુમાનમઢીમાં સ્કૂલ બસનો ચાલક બે વર્ષના માસૂમ માટે કાળ બનીને ત્રાટક્યો હતો અને બાળકને હડફેટે લઈ કચડી નાંખતા તેમનું ઘટના સ્થળે જ મોત નિપજતાં પરીવારમાં શોક છવાયો હતો. બનાવ અંગે ગાંધીગ્રામ પોલીસે બસ ચાલક સામે ગુનો નોંધી તેની શોધખોળ આદરી છે. જીવલેણ અકસ્માત સર્જી નાસી છુટેલી બસ શામજી હરજી તળાવિયા ચેરીટેબલ ટ્રસ્ટ (આર.કે. યુનિવર્સિટી)ની હોવાની શંકા સેવાઈ રહી છે.

આ અંગે રૈયારોડ પર હનુમાનમઢી પાસે છોટુનગર શેરી નં.4 માં રહેતાં વિક્રમભાઈ સોમાભાઈ વાજેલીયાએ ફરીયાદમાં જણાવ્યું હતું કે, તે પરિવાર સાથે રહી મજૂરીકામ કરે છે. તેમને સંતાનમાં બે પુત્ર જેમાં મોટો બે વર્ષીય વિશાલ હતો. ગઈકાલે સાંજના પાંચેક વાગ્યાની આસપાસ તેઓ વિશાલ સાથે બાઇકમાં હનુમાનમઢી એરપોર્ટ રોડ ખાતે આવેલ કે.કે.પાન પર મસાલો ખાવા ગયેલ હતા.

આ દરમિયાન વિક્રમભાઈ પાનની દુકાને ફાકી લેવા ગયા હતો, જ્યારે તેમનો દીકરો વિશાલ બાઈક પાસે ઉભો હતો. આ દરમિયાન એરપોર્ટ ફાટક બાજુથી પુરપાટ ઝડપે આવેલ પીળા કલરની સ્કૂલ બસ ઘસી આવેલ અને બાળકને હડફેટે લેતા તેમનો દીકરો બસના પાછળના વ્હીલમાં આવી જતાં ચગદાઈ ગયેલ અને છાતીના ભાગે અને પડખામા ગંભીર ઈજા થઈ હતી.

જેથી વિક્રમભાઈ દીકરાને વિશાલને ગંભીર હાલતમાં બાઇકમાં બેસાડી અત્રેની સીવીલ હોસ્પિટલમાં સારવાર ખાતે લાવતાં ઇમરજન્સી વિભાગના તબીબોએ તપાસી તેને મૃત જાહેર કર્યો હતો. બાદમાં તેઓને જાણવા મળેલ કે, તેમના દિકરાને હડફેટે લઈ મોતને ઘાટ ઉતારનાર બસના નં. જીજે-03-બીવાય-4052 હોવાનું સામે આવ્યું હતું.

બનાવ અંગેની ફરીયાદ પરથી ગાંધીગ્રામ પોલીસે ગુનો નોંધી બસના ચાલકની શોધખોળ આદરી હતી. જીવલેણ અકસ્માત સર્જી નાસી છુટેલી બસ શામજી હરજી તળાવિયા ચેરીટેબલ ટ્રસ્ટ (આર.કે. યુનિવર્સિટી)ની હોવાની શંકા સેવાઈ રહી છે. આ મામલે હાલ પીએસઆઇ એસ.એલ.ગોહિલ તપાસ ચલાવી રહ્યા છે. (In Pic: File Photo)