Surat: વરીયાવમાં ખુલ્લી ગટરમાં પડેલા 2 વર્ષના બાળકનું મોત, ફાયર વિભાગ અને NDRFની ટીમને 24 કલાકે મૃતદેહ મળ્યો

માતાનો હાથ છોડાવીને આઈસ્ક્રીમ ખાવા દોડેલો કેદાર ઢાંકણા વગરની ગટરમાં ખાબક્યો અને મોત સાથે ભેટો થયો

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Thu, 06 Feb 2025 06:06 PM (IST)Updated: Thu, 06 Feb 2025 11:27 PM (IST)
surat-news-2-years-old-boy-dead-body-found-after-24-hours
HIGHLIGHTS
  • બાળકના મોતને લઈને પરિવાર શોકમાં ગરકાવ

Surat: શહેરના વરીયાવ વિસ્તારમાં ગઈકાલે ખુલ્લી ગટરમાં ખાબકેલા 2 વર્ષના બાળકનું મોત નિપજ્યું છે. ગઈકાલથી ફાયર વિભાગની ટીમ દ્વારા બાળકને બહાર કાઢવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. આજે NDRFની ટીમની પણ મદદ લેવામાં આવી હતી. આ દરમિયાન વરીયાવ પંપિંગ સ્ટેશનમાંથી મૃત હાલતમાં બાળકને બહાર કાઢવામાં આવ્યો છે.

આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, શહેરના વરીયાવ રાધિકા પૉઈન્ટ પાસે બે વર્ષને કેદાર વેગડ નામનો બાળક ખુલ્લી ગટરમાં પડી ગયો હતો. ગઈકાલે સાંજે 5 વાગ્યાની આસપાસ કેદાર તેની માતા સાથે બુધવારે બજારમાં ગયો હતો. જ્યાંથી આઈસ્ક્રીમ ખાવ માટે કેદારે માતાનો હાથ છોડીને દોટ મૂકી હતી. આ દરમિયાન 120 ફૂટના રોડ પર ઢાંકણા વગરની ખુલ્લી ગટરમાં તે ખાબક્યો હતો.

આ ઘટનાના પગલે ત્યાં લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા અને બાળકને ગટરમાંથી શોધવાનો પ્રયાસ કર્યો હતો. જો કે સફળતા ના મળતા આ બનાવની જાણ ફાયર વિભાગને કરવામાં આવી હતી. આથી ફાયર વિભાગની ટીમ તેમજ પોલીસ અધિકારીઓનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને બાળકની શોધખોળ હાથ ધરી હતી. જે બાદ આજે NDRFની પણ મદદ લેવામાં આવી હતી. આ દરમિયાન 24 કલાક બાદ વરીયાવ પંપિંગ સ્ટેશનમાંથી બાળકને મૃત હાલતમાં બહાર કાઢવામાં આવ્યું છે. બાળકના મોતને લઈને પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો છે.

કસૂરવાર અધિકારીઓ સામે કાયદેસરના પગલા લેવામાં આવશે: મેયર
આ મામલે શહેરના મેયર દક્ષેશ માવાણીએ જણાવ્યું કે, ગઈકાલે પોણા 6ની આસપાસ કોલ આવ્યો હતો કે અમરોલી વરીયાવ ખાતે એક બાળક ગટરમાં ડૂબી ગયો છે. મને સાંજે કોલ મળતા સુરત મનપાના ડ્રેનેજના ચેરમેન, ફાયરની ટીમ, હાઈડ્રોલિકની ટીમ સહિતના અધિકારીઓને સૂચના આપી હતી. આ બાળક તાત્કાલિક મળી જાય તે માટે પ્રયત્ન કરવામાં આવ્યા હતા.

મારી મુખ્યમંત્રી સાથે સુરતના વિકાસને લઈને મિટિંગ હતી, એ કાર્યક્રમ કેન્સલ કર્યો હતો. આજે સવારે NDRFની ટીમને પણ બોલાવી હતી. 23 કલાક પછી આ બાળક મળ્યો છે, આ ઘટના ખુબ જ દુઃખદ છે, તેના પરિવાર પ્રત્યે હું સંવેદના વ્યક્ત કરું છું. આમાં કોઈ પણ કસુરવાર હશે અધિકારી તો તેની સામે કાયદેસરના પગલા ભરવામાં આવશે. આવી ઘટના બીજી વાર નહી બને તે માટે કડક સુચના પણ આપવામાં આવી છે,

પરિવારે મૃતદેહ સ્વીકારવાનો ઈનકાર કર્યો

બીજી તરફ બાળકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સ્મીમેર હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. જ્યાં મૃત બાળકના પરિવારજનો અને સમાજના લોકો પોસ્ટમોર્ટમ રૂમ બહાર જવાબદાર અધિકારીઓ વિરુદ્ધ ગુનો ના નોંધાય, ત્યાં સુધી લાશ સ્વીકારવાનો ઈનકાર કરીને ધરણા પર બેસી ગયા હતા. જ્યાં 'ગુનો દાખલ કરો'ના નારા લાગ્યા હતા. જેથી કાપોદ્રા, અમરોલી, વરાછા, પૂણા અને સરથાણા સહિતના પોલીસ મથકનો કાફલો સ્મીમેર દોડી આવ્યો હતો. જો કે પોલીસે પોસ્ટમોર્ટમ થયા બાદ ગુનો નોંધવાની તૈયારી દર્શાવી હતી.