Surendranagar: મૂળીમાં પૂર્વ પ્રેમીના બ્લેકમેલિંગથી કંટાળેલી પ્રેમિકાના આપઘાત, માતાને વીડિયો કૉલ કરીને ગળે ફાંસો ખાધો

વીડિયો કોલ બાદ વાડીએ ગયેલી માતા દોડતી ઘરે પહોંચી,જ્યાં દીકરીને પંખામાં દોરડું બાંધીને લટકતી જોતા હતપ્રભ

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Fri, 26 Sep 2025 06:19 PM (IST)Updated: Fri, 26 Sep 2025 06:19 PM (IST)
surendranagar-woman-commit-suicide-after-video-call-to-her-mother-due-to-blackmailing-by-lover
ફાઈલ ફોટો
HIGHLIGHTS
  • અસુન્દ્રા ગામનો નરેશ ફોટા વાયરલ કરવાની ધમકી આપતો હતો
  • એકની એક પુત્રીના મોતથી પરિવારજનોમાં કલ્પાંત

Surendranagar: સુરેન્દ્રનગર જિલ્લાના મૂળી તાલુકાના આસુન્દ્રા ગામે પૂર્વ પ્રેમી ફોટા વાયરલ કરવાની ધમકી આપી હેરાન કરતો હોવાથી પ્રેમિકાએ ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતાં ચકચાર મચી જવા પામી છે. આ અંગે પોલીસે જરૂરી કાર્યવાહી કરી મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે રાજકોટ હોસ્પિટલ ખસેડી વધુ તપાસ હાથ ધરી છે.

આ અંગે જાણવા મળતી વિગત મુજબ, મૂળીના આસુન્દ્રા ગામે રહેતી કિરણ લક્ષ્મીબેન પરમાર (23) નામની યુવતીએ ગઈકાલે સાંજે પેાતાના ઘરે પંખામાં દોરડુ બાંધી ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. મૃતક યુવતીએ આપઘાત પહેલા વાડીએ ગયેલા તેની માતાને વીડિયો કોલ કર્યો હતો.

જો કે માતા ઘરે પહોંચી, ત્યારે પુત્રીને લટકતી જોઈ હતપ્રભ બની ગયા હતાં. આ બનાવની જાણ થતાં મુળી પોલીસે ઘટના સ્થળે દોડી જઈ જરૂરી કાર્યવાહી કરી મૃતદેહને પી.એમ. અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.

પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતક કિરણને ચાર વર્ષ પહેલા ગામમાં જ રહેતાં નરેશ નાગર પરમાર સાથે પ્રેમ સંબંધ હોય બાદમાં તેણે પ્રેમ સંબંધ તોડી નાખ્યો હતો. બસ ત્યારથી નરેશ યુવતીને ફોટા વાયરલ કરવાની ધમકી આપી સતત બ્લેક મેલીંગ કરતો હતો. આથી પૂર્વ પ્રેમીની હેરાનગતિથી કંટાળી યુવતીએ આ પગલું ભરી લીધાનું પરિવારજનો દ્વારા જણાવવામાં આવ્યું છે. એકની એક પુત્રીના મોતથી પરિવારજનોમાં શોકની લાગણી છવાઈ જવા પામી છે.

આણંદમાં પુત્રવધુએ ઘરમાંથી કાઢી મૂકતા વ્યસની સસરાએ ગળેફાંસો ખાધો
આણંદના તુલસી ગરનાળા નજીકની આકાશવાડી વિસ્તારમાં પોતાની પુત્રવધુ સાથે રહેતા પ્રવિણ મેકવાન (66) દારૂના રવાડે ચડી ગયા હોવાથી તેમની તબિયત નાદુરસ્ત રહેતી હતી. ડોક્ટરેએ પણ તેમને દારૂ છોડી દેવાનું કહેવા છતાં તેઓ સતત પીને ઘરે આવતા હતા.

ગઈકાલે પણ પ્રવિણ મેકવાન ઘરે આવતા તેમની પુત્રવધુએ તેમને બહાર કાઢી મૂક્યા હતા. આ બાબતનું લાગી આવતા પ્રવિણ મેકવાને નજીકમાં આવેલ એન.કે. ગેરેજના શેડની એંગલ સાથે દોરડું બાંધીને ગળે ફાંસો ખાઈ લીધો હતો.

આ ઘટનાના પગલે લોટો ટોળે વળ્યા હતા અને પોલીસને જાણ કરતાં આણંદ શહેર પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. જેમણે મૃતકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે મોકલી અકસ્માતે મોતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. પ્રાથમિક તપાસમાં મૃતક પ્રવિણ મેકવાનનો પુત્ર મુંબઈમાં રહીને નોકરી કરતો હોવાનું માલૂમ પડ્યું છે.