Wadhwan Mela Accident: સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ ખાતે આયોજિત લોકમેળામાં ગત 5 સપ્ટેમ્બરના રોજ ગંભીર અકસ્માત સર્જાયો હતો. ચકડોળમાંથી નીચે પટકાતા નિહારિકા પરમાર નામની 12 વર્ષીય કિશોરીનું સારવાર દરમિયાન મોત થયું હતું. આ મામલે મૃતકના પિતા કાંતિભાઈ પરમારે વઢવાણ પોલીસ સ્ટેશનમાં ચકડોળ ઓપરેટર વિરુદ્ધ કાયદેસરની ફરિયાદ નોંધાવી છે.
બાળકી બેસે તે પહેલાં જ ચકડોળ ચાલુ કર્યું
પોલીસ ફરિયાદ અને ઘટનાની પ્રાપ્ત વિગતો મુજબ, કાંતિ પરમારની 12 વર્ષીય પુત્રી નિહારિકા ચકડોળની પાલખીમાં સરખી રીતે બેસે તે પહેલાં જ ઓપરેટરે ચકડોળ ચાલુ કરી દીધું હતું. અચાનક ચકડોળ શરૂ થઈ જવાથી ગભરાયેલી બાળકી પાલખીને હાથથી પકડીને હવામાં લટકી ગઈ હતી.આ સમયે ચકડોળની પાલખીમાં પરિવારના અન્ય સભ્યો પણ બેઠેલા હતા.
આ પણ વાંચો
ચકડોળમાં બેઠેલા પિતા તેમજ પ્લેટફોર્મ પર ઉભેલા બાળકીના માતા, દાદી અને મોટી બહેન સહિતના પરિવારજનોએ ચકડોળ તાત્કાલિક રોકવા માટે જોર-જોરથી બૂમો પાડી હતી. આમ છતાં, ઓપરેટરની ઘોર લાપરવાહીના કારણે ચકડોળ સમયસર બંધ કરવામાં આવ્યું નહોતું.
ઊંચાઈ પરથી પટકાતા ગંભીર ઈજાઓ પહોંચી
ચકડોળ ચાલુ થયા બાદ અચાનક ઉપર જઈને અટકી જતાં નિહારિકા પાલખીમાંથી ચકડોળના પાછળના ભાગે સીધી જમીન પર પટકાઈ હતી. આ ભયાનક અકસ્માતમાં કિશોરીના હાથ, પગ અને પીઠના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી.ચકડોળનો રાઉન્ડ પૂર્ણ થયા બાદ પિતા જ્યારે નીચે આવ્યા ત્યારે ઈજાગ્રસ્ત નિહારિકાને રોડ નજીક ખાટલા પર સુવડાવી હતી. કિશોરીના પરિવારજનો દ્વારા તેને ત્વરિત સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી, જ્યાં ટૂંકી સારવાર દરમિયાન તબીબોએ તેને મૃત જાહેર કરી હતી.
ચકડોળ ઓપરેટર સામે ફરિયાદ, તપાસ શરૂ
બીજી તરફ, આ સમગ્ર મામલે મૃતકના 45 વર્ષીય પિતા કાંતિભાઈ પરમાર દ્વારા સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ પોલીસ સ્ટેશન ખાતે BNS ની કલમ મુજબ ચકડોળ ઓપરેટર વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી છે. હાલમાં વઢવાણ પોલીસે ચકડોળ ઓપરેટર સામે ગુનો નોંધીને આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે.
