Surendranagar Crime News: સુરેન્દ્રનગર જિલ્લામાં પેટ્રોલિયમ પદાર્થના ગેરકાયદેસર વેચાણ અને સંગ્રહ સામે પુરવઠા વિભાગે લાલ આંખ કરી છે. જિલ્લા પુરવઠા અધિકારી એ. જી. ગજ્જર અને તેમની ટીમે વઢવાણ તાલુકાના અણીદ્રા ગામે આકસ્મિક તપાસ હાથ ધરી. આ દરમિયાન સત્યમ પેટ્રોલિયમ (BPCL) ખાતે ચાલી રહેલી એક ગેરકાયદેસર પ્રવૃત્તિનો પર્દાફાશ થયો છે.
પરવાના કે નિયમો વિના ચાલતું વેચાણ
આ પણ વાંચો
જિલ્લા કલેક્ટર જી.એચ. સોલંકીના માર્ગદર્શન હેઠળ હાથ ધરવામાં આવેલી તપાસ દરમિયાન પુરવઠા અધિકારીઓની ટીમને પેટ્રોલ પંપ પર એક મોબાઈલ બ્રાઉઝર (ડિસ્પેન્સિંગ યુનિટ) મળી આવ્યું હતું. આ મોબાઈલ બ્રાઉઝરનો ઉપયોગ આસપાસના ગામડાઓમાં કોઈપણ કાયદેસરની મંજૂરી વિના ગેરકાયદેસર રીતે ડીઝલ વેચવા માટે કરવામાં આવતો હતો.
આ યુનિટ ચલાવવા માટે સંબંધિત તંત્ર પાસેથી કોઈ પરવાના, PESO (પેટ્રોલિયમ એન્ડ એક્સપ્લોઝિવ્સ સેફ્ટી ઓર્ગેનાઈઝેશન) લાયસન્સ, સ્ટેમ્પિંગ કે કેલિબ્રેશન મેળવવામાં આવ્યા ન હતા. નિયમોના ઘોર ઉલ્લંઘન બદલ પુરવઠા વિભાગની ટીમે તાત્કાલિક ધોરણે કાયદેસરની કાર્યવાહી કરી 12.88 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
તંત્રએ સીઝ કરેલા 12.88 લાખથી વધુના મુદ્દામાલમાં અંદાજિત કિંમત 12 લાખના મીની બ્રાઉઝર અને ડિસ્પેન્સિંગ યુનિટ તથા આશરે રૂ. 88,000 રૂપિયાની કિંમતનો અંદાજે 900 લિટર ગેરકાયદેસર ડિઝલનો જથ્થો જપ્ત કર્યો છે.
વહીવટી તંત્રની કડક કાર્યવાહી ચાલુ રહેશે
સુરેન્દ્રનગર જિલ્લા પુરવઠા વિભાગે સ્પષ્ટ કર્યું છે કે, પેટ્રોલિયમ પદાર્થોના વેચાણમાં જરૂરી પરવાના, લાયસન્સ તેમજ માપ-તોલ સંબંધિત મંજૂરીનું પાલન થાય તે માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આવી આકસ્મિક તપાસ અને કડક કાર્યવાહી ભવિષ્યમાં પણ સતત ચાલુ રાખવામાં આવશે.
