Tarnetar Melo 2026: વિશ્વભરમાં જાણીતા સુરેન્દ્રનગર જિલ્લાના ભાતીગળ તરણેતરના લોકમેળાની સુરક્ષા અને કાયદો-વ્યવસ્થાની સમીક્ષા કરવા માટે રાજકોટ રેન્જ IG નિર્લિપ્ત રાય સુરેન્દ્રનગર SP પ્રેમસુખ ડેલુ અને ઉચ્ચ પોલીસ અધિકારીઓની ટીમ સાથે તરણેતર પહોંચ્યા હતા. આગામી 14 સપ્ટેમ્બરથી 17 સપ્ટેમ્બર સુધી યોજાનારા આ સુપ્રસિદ્ધ લોકમેળામાં દેશ-વિદેશથી આવતા લાખો શ્રદ્ધાળુઓ અને પ્રવાસીઓની આસ્થા અને સુરક્ષા જળવાઈ રહે તે માટે 2500 થી વધુ પોલીસ જવાનોનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.
ત્રિનેત્રેશ્વર મહાદેવના દર્શન, સુરક્ષા આયોજનની સમીક્ષા
તરણેતર પહોંચેલા રાજકોટ રેન્જ આઈજી નિર્લિપ્ત રાયે સૌપ્રથમ પવિત્ર ત્રિનેત્રેશ્વર મહાદેવ મંદિરના દર્શન કરીને ધન્યતા અનુભવી હતી. ત્યારબાદ તેમણે સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ તંત્ર સાથે બેઠક યોજીને મેળાની સુરક્ષા વ્યવસ્થા, ટ્રાફિક નિયંત્રણ અને કાયદો-વ્યવસ્થાની સ્થિતિ અંગે નિરીક્ષણ કર્યું હતું. મેળો શાંતિપૂર્ણ માહોલમાં અને કોઈ પણ પ્રકારના અપ્રિય બનાવ વગર સંપન્ન થાય તે માટે અધિકારીઓને જરૂરી આદેશો અને માર્ગદર્શન આપ્યા હતા.
11 DySP સહિત 2500 પોલીસ જવાનો તૈનાત
સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુએ સુરક્ષા વ્યવસ્થા અંગે વિગતો આપતા જણાવ્યું કે, તરણેતરના મેળામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સુદ્રઢ રાખવા માટે એક વિશેષ સઘન બંદોબસ્ત સ્કીમ તૈયાર કરવામાં આવી છે. આ મેળામાં અલગ-અલગ શિફ્ટમાં કામગીરી કરવા માટે 11 DySP/ASP, 33 જેટલા PI અને આશરે 100 થી વધુ PSI સહિત પોલીસ, હોમગાર્ડ અને GRD મળીને કુલ 2500 જેટલા જવાનોનો કાફલો ખડેપગે તૈનાત રહેશે.
અસામાજિક તત્વો સામે કડક નજર અને એલર્ટ મોડ
તારીખ 14 સપ્ટેમ્બરથી 17 સપ્ટેમ્બર દરમિયાન ચાલનારા આ વિશ્વ પ્રસિદ્ધ મેળામાં કોઈ અસામાજિક તત્વો શાંતિ ડોહળવાનો પ્રયાસ ન કરે તે માટે પોલીસ તંત્ર સંપૂર્ણ એલર્ટ મોડ પર રહેશે. મેળામાં આવતા તમામ શ્રદ્ધાળુઓ અને પ્રવાસીઓ નિર્ભય બનીને સંસ્કૃતિ અને આસ્થાના આ પર્વની ઉજવણી કરી શકે તે માટે પોલીસ વિભાગ દ્વારા સઘન પેટ્રોલિંગ અને ચોકી પહેરો ગોઠવવામાં આવ્યો છે.
