Surendranagar: લીંબડી નજીક અકસ્માત સર્જી ફિલ્મીઢબે રૂ. 90 લાખની ચાંદીની દિલધડક લૂંટ, આરોપીઓને પકડવા રાજ્યભરમાં નાકાબંધી

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Wed, 06 Mar 2024 06:48 PM (IST)Updated: Thu, 07 Mar 2024 07:28 AM (IST)
surendranagar-rs-90-lakh-silver-loot-near-limbdi-police-investigation-on

Surendranagar: સતત ટ્રાફીકથી ધમધમતા રાજકોટ-અમદાવાદ હાઈવે પર લીંબડી નજીક કાનપર ગામના પાટીયા પાસે મોડીરાત્રે રાજકોટ તરફ આવતી બોલેરો કારને આંતરી બે કારમાં આવેલા સાત જેટલા લૂંટારૂઓએ અકસ્માત સર્જી બે શખ્સોને બાનમાં લઈ રૂા.90 લાખની કિંમતની 120 કિલો ચાંદીના પાર્સલની લુંટ ચલાવી પલાયન થઈ ગયા હોવાનો બનાવ સામે આવ્યો છે.

આ અંગે પ્રાપ્ત વિગત મુજબ, અમદાવાદથી વેપારી પેઢી દ્વારા રાજકોટના વેપારીને રૂા.90 લાખની કિંમતની 120 કિલો ચાંદીના 72 જેટલા પાર્સલ મોકલવામાં આવ્યા હતાં. રાત્રિનાં વેપારી પેઢીનાં બે કમર્ચારીઓ બોલેરો કારમાં ચાંદીના પાર્સલ લઈ રાજકોટ આવવા માટે નીકળ્યા હતાં.

આ દરમિયાન બગોદરા લીંબડી વચ્ચે કાનપર ગામના પાટીયા પાસે બોલેરો કાર પહોંચી, ત્યારે પાછળ પીછો કરી રહેલા બલેનો કાર સહિત બે કારમાં આવેલા લુંટારૂઓએ ઈરાદા પૂર્વક બોલેરો સાથે અકસ્માત સજર્યો હતો. જેથી વેપારી પેઢીના કર્મચારીઓએ પોતાની બોલેરો કાર સાઈડમાં ઉભી રાખી, તે સાથે જ બે કારમાં આવેલા સાત શખ્સોએ વેપારી પેઢીનાં બન્ને કર્મચારીઓને બાનમાં લઈ હથિયાર બતાવી રૂ.90 લાખની કિંમતના 120 કિલો ચાંદીના પાર્સલની દિલધડક લૂંટ ચલાવી અંધારામાં ઓગળી ગયા હતાં.

આ બનાવની ભોગ બનનાર વેપારી પેઢીનાં કર્મચારી દ્વારા સૌપ્રથમ તેના શેઠને જાણ કર્યા બાદ સુરેન્દ્રનગર પોલીસ કંટ્રોલને જાણ કરવામાં આવી હતી. જેના પગલે પાણશિણા પોલીસ સ્ટેશનના પીએસઆઈ વાઘેલા સહિતનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને લૂંટ કરી નાસી છૂટેલા લુંટારૂઓની બન્ને કારના નંબર મેળવી સ્ટેટ કંટ્રોલરૂમને જાણ કરી રાજ્યભરમાં નાકાબંધી કરાવી દીધી હતી.

લૂંટારુઓ અમદાવાદથી બોલેરો કારનો પીછો કરતાં હતાં
રાજકોટ અમદાવાદ હાઈ-વે લીંબડી નજીક મધરાત્રે રાજકોટ આવતી 120 કિલો ચાંદીના પાર્સલની દિલધડક લૂટ કરવામાં આવી છે, ત્યારે પોલીસની પ્રાથમિક તપાસમાં અમદાવાદથી ચાંદીના પાર્સલ લઈને નીકળેલ બોલેરો કારનો લુંટારૂઓએ અમદાવાદથી જ પીછો શરૂ કર્યો હતો અને બગોદરા લીંબડી વચ્ચે મોકો મળતાં લૂંટને અંજામ આપ્યો હતો.

લૂંટની ઘટના પૂર્વઆયોજીત હોવાનું બહાર આવતાં પોલીસે જે સ્થળેથી ચાંદીના પાર્સલ રવાના થયા ત્યારથી લઈને બગોદરા સુધીના સીસીટીવી ફુટેજ મેળવી તેના આધારે લુંટારૂ ગેંગનું પગેરૂ દબાવ્યું છે.

રાજકોટના અનેક વેપારીના દાગીના લૂંટાયા
સાયલા નજીક જે લૂંટની ઘટના છ મહિના પહેલા બની હતી. તેનો મુખ્ય આરોપી હજુ પકડાયો નથી અને તેની કોઈ વસ્તુ પણ પાછી આવી નથી તે સમયે પણ 100 કિલોથી વધુની ચાંદીની લૂંટ થઈ હતી, પરંતુ આજે ફરી એક વખત કાનપર ગામના પાટિયા પાસે આ જ પ્રકારની ઘટના સામે આવી છે.

જેમાં રાજકોટના અનેક મોટા વેપારીઓના ચાંદી ભરેલા દાગીનાના પાર્સલ હોવાની વિગતો બહાર આવી રહી છે. આ સંદર્ભે જે બોલેરો કાર ચાલક છે તેની પૂછપરછ હાથ ધરવામાં આવી છે. આ ઉપરાંત હાઇવે ઉપરના કેમેરાઓ તેમજ અન્ય જે સોર્સ છે, તેને કામે લગાડવામાં આવ્યા છે.

ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો ગુજરાતી જાગરણની ન્યૂઝ એપ.