Surendranagar: સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ શહેરના ગણપતિ ફાટસર વિસ્તારમાં ખૂની ખેલ ખેલાયો હોવાનો બનાવ સામે આવ્યો છે. જેમાં ધોળા દિવસે છરીના ઉપરાછાપરી ઘા ઝીંકીને એક યુવતીની ક્રૂર હત્યા કરવામાં આવી છે.
આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, મૃતક યુવતી ગણપતિ ફાટસર વિસ્તારમાંથી પસાર થઈ રહી હતી. આ સમયે એક યુવકે અચાનક તેને આંતરી હતી. યુવતી કંઈ સમજે તે પહેલા જ યુવકે પોતાની પાસે રહેલી છરી કાઢીને યુવતી પર આઠથી દસ ઘા ઝીંકી દીધા હતા. યુવકે ઉપરાછાપરી છરીના ઘા ઝીંકી દેતા યુવતી લોહીલુહાણ હાલતમાં ત્યાં જ ફસડાઈ ગઈ હતી. જે બાદ હત્યારો યુવક ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો.
બીજી તરફ જાહેરમાં યુવતીની ઘાતકી હત્યા થતાં સમગ્ર વિસ્તારમાં નાસભાગ મચી ગઈ હતી. જ્યારે આ બાબતની જાણ થતાં વઢવાણ પોલીસ મથકની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી. જેમણે પંચનામું કરીને યુવતીના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે મોકલીની આગળની તપાસ હાથ ધરી છે.
પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતક યુવતી કારખાનામાં કામ કરવા જઈ રહી હતી, ત્યારે તેના પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. બીજી તરફ આ બનાવની જાણ થતાં મૃતક યુવતીના પરિવારજનો સહિત સગા-સબંધીઓનું મોટું ટોળું હોસ્પિટલ પહોંચ્યું હતુ. જેમણે હત્યારો ના પકડાય, ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવાનો ઈનકાર કર્યો હતો. જેના પગલે પોલીસના ઉચ્ચ અધિકારીઓ પણ હોસ્પિટલ દોડી આવ્યા હતા.
હાલ તો પોલીસ દ્વારા યુવતીને મોતને ઘાટ ઉતાર્યા બાદ ફરાર થઈ ગયેલા હત્યારાને પકડવા માટે જુદી-જુદી ટીમો બનાવવામાં આવી છે. આ સાથે જ હત્યા પાછળનું કારણ જાણવા પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.
