Surendranagar News: સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા પાસે આવેલા બાવળિયા નજીક નર્મદાની મુખ્ય કેનાલમાં ડૂબી જતા બે લોકોના મોત નીપજ્યા છે. ખેતરમાં કામ કરતો એક યુવક કેનાલમાં ડૂબી રહ્યો હતો ત્યારે તેને બચાવવા માટે અન્ય યુવક કેનાલમાં કૂદ્યો હતો. જોકે બન્ને યુવકના ડૂબી જવાથી મોત નીપજ્યાં હતા. બનાવની જાણ થતાં ધ્રાંગધ્રા પાલિકા અને પોલીસની ટીમ પહોંચી હતી.
બનાવની પ્રાપ્ત વિગત અનુસાર, એક પરપ્રાંતિય યુવક ખેતરમાં કામ કરી રહ્યો હતો. જે દરમિયાન તે કેનાલમાં પડી ગયો હતો અને ડૂબી રહ્યો હતો. યુવકને ડૂબતો જોઇ અન્ય એક પરપ્રાંતિય યુવક તેને બચાવવા માટે કૂદ્યો હતો. પરંતુ તે પણ ડૂબવા લાગ્યો હતો. બનાવની જાણ થતાં આસપાસના લોકો ઘટના સ્થળે પહોંચ્યા હતા અને બનાવ અંગે ધ્રાંગધ્રા પાલિકાને જાણ કરવામાં આવી હતી.
બનાવની જાણ થતાં ધ્રાંગધ્રા પાલિકાની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. 8 કલાકની જહેમત બાદ તરવૈયાઓની મદદથી બન્ને યુવકોના મૃતદેહો કેનાલમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા. કેનાલમાં ડૂબી જવાથી બે યુવકોના મોત નીપજ્યાં હોવાની જાણ થતાં પોલીસ પહોંચી હતી. મૃતદેહોને પીએમ અર્થે ધ્રાંગધ્રાની સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
