Surendranagar: સુરેન્દ્રનગર શહેરની ટી.બી. હોસ્પિટલ પાછળ એકલા રહેતા યુવકે દિલ્હીમાં જઈને પાકિસ્તાની મહિલા સીમા હૈદરને ઘરમાં ઘૂસીને થપ્પડ મારી દીધી હતી. આ ઘટના બાદ દિલ્હી પોલીસે યુવકની અટકાયત કરી છે.
આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, શહેરની T.B. હોસ્પિટલની પાછળ આવેલા ઓમનગરમાં એકલો રહેતો તેજસ જાની નામનો યુવક છેલ્લા બે દિવસથી ગુમ હતો. ઘરેથી નીકળીને તેજસ બસ દ્વારા દિલ્હી પહોંચ્યો હતો. જ્યાં તે રાબુપુરામાં રહેતી પાકિસ્તાની મહિલા સીમા હૈદરના ઘરે પહોંચ્યો હતો.
રાબુપુરા પહોંચી તેજસે દરવાજો ખખડાવતા સીમા હૈદરે દરવાજો ખોલ્યો હતો. સીમા હૈદર કઈ સમજે તે પહેલા જ તેજસે તેને થપ્પડ મારી હતી. જે બાદ સીમા હૈદરનું ગળું દબાવવાનો પ્રયાસ કર્યો હતો. જો કે સીમાએ એલાર્મ વગાડતા આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા અને તેજસને પકડી પાડ્યો હતો.
બીજી તરફ આ બનાવની જાણ થતાં સુરેન્દ્રનગર સિટી પોલીસ અને LIB સહિતની ટીમ તેજસના ઓમનગર સ્થિત ઘરે પહોંચી હતી. હાલ તો દિલ્હી પોલીસે તેજસ જાનીની અટકાયત કરીને તેનો મોબાઈલ જપ્ત કરીને પૂછપરછ હાથ ધરી છે
પોલીસની પ્રાથમિક તપાસમાં યુવક તેજસ જાની માનસિક અસ્વસ્થ હોવાનું માલૂમ પડ્યું છે. પોલીસ પૂછપરછમાં તેજસે જણાવ્યું કે, સીમા હૈદરે તેના પર કાળો જાદું કર્યો છે.
જણાવી દઈએ કે, આજથી બે વર્ષ પહેલા મૂળ પાકિસ્તાની સીમા હૈદર મોબાઈલ પર પબજી ગેમ રમતા-રમતા નોઈડામાં રહેતા સચિનના સંપર્કમાં આવી હતી.જે બાદ બન્ને વચ્ચે પ્રેમ પાંગરતા સીમા હૈદર પાકિસ્તાનથી નેપાળ થઈને ભારતમાં આવી હતી અને સચિન સાથે લગ્ન કરી લીધા હતા.
