Surendranagar: તરણેતરના મેળામાં પાંચાળની ધરોહરનું ગ્રંથરૂપે જતન, 'તરણેતરનો મેળો' પુસ્તકનું વિમોચન

વિશ્વવિખ્યાત તરણેતર મેળામાં ડૉ. શીતલ કોઇશા લિખિત 'તરણેતરનો મેળો' પુસ્તકનું વિમોચન થયું, જે પાંચાળ પ્રદેશના ઇતિહાસ અને સાંસ્કૃતિક વારસાને ઉજાગર કરે છે. આ સંશોધનાત્મક ગ્રંથ મેળાને ધાર્મિક આયોજન ઉપરાંત સામાજિક-સાંસ્કૃતિક પરંપરા તરીકે રજૂ કરે છે અને નવી પેઢી સુધી સ્થાનિક લોકવારસો પહોંચાડવાનો હેતુ ધરાવે છે.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Mon, 21 Sep 2026 06:05 PM (IST)Updated: Mon, 21 Sep 2026 06:05 PM (IST)
surendranagar-news-tarnetar-no-melo-book-release-at-tarnetar-fair-preserving-the-heritage-of-panchal-region

Tarnetar No Melo Book Release: વિશ્વવિખ્યાત તરણેતર મેળાના ત્રીજા દિવસે ત્રિનેત્રેશ્વર મહાદેવના સાનિધ્યમાં પાંચાળ પ્રદેશના ઇતિહાસ અને સાંસ્કૃતિક વારસા પર આધારિત પુસ્તક ‘તરણેતરનો મેળો (પાંચાળ પ્રદેશની ઐતિહાસિક અને સાંસ્કૃતિક ધરોહર)’નું વિમોચન કરવામાં આવ્યું હતું.

યંગ ઇન્ડિયા રિસર્ચ ફાઉન્ડેશન (YIRF), ગાંધીનગરનાં ડાયરેક્ટર ડૉ. શીતલ કોઇશા દ્વારા લખાયેલા આ સંશોધનાત્મક ગ્રંથના વિમોચન પ્રસંગે ગુજરાત સરકારના મંત્રી દર્શનાબેન વાઘેલા, સુરેન્દ્રનગરના સાંસદ ચંદુભાઈ શિહોરા તથા ધારાસભ્યો જગદીશભાઈ મકવાણા, પી. કે. પરમાર અને પ્રકાશ વરમોરા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

ગુજરાત યુનિવર્સિટીના ઇતિહાસ વિભાગમાં PhD સંશોધન દરમિયાન ડૉ. કોઇશાએ તરણેતર મેળા અને પાંચાળ પ્રદેશને કેન્દ્રમાં રાખીને પાંચ વર્ષ સુધી ક્ષેત્રિય અભ્યાસ અને દસ્તાવેજીકરણ કર્યું હતું. આ સંશોધનને પુસ્તક સ્વરૂપ આપવામાં આવ્યું છે.

ગ્રંથમાં તરણેતર મેળાની ઐતિહાસિક પૃષ્ઠભૂમિ ઉપરાંત પાંચાળ પ્રદેશની લોકપરંપરાઓ, લોકગીતો, લોકનૃત્યો, ગ્રામ્ય જીવન, પરંપરાગત કારીગરી અને ભરતકામવાળી કાષ્ઠ-છત્રીઓ સહિતના વિવિધ સાંસ્કૃતિક પાસાંઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.

આ પુસ્તકમાં ઉપલબ્ધ ઐતિહાસિક તસવીરો, હસ્તપ્રતો, દસ્તાવેજો અને રેખાચિત્રોના સંદર્ભ દ્વારા તરણેતર મેળાના બદલાતા સ્વરૂપને રજૂ કરવામાં આવ્યું છે. સંશોધનના દૃષ્ટિકોણથી તૈયાર થયેલા આ ગ્રંથમાં મેળાને માત્ર ધાર્મિક આયોજન તરીકે નહીં, પરંતુ પાંચાળ પ્રદેશના સામાજિક અને સાંસ્કૃતિક જીવન સાથે જોડાયેલી પરંપરા તરીકે સમજવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.

વિમોચન પ્રસંગે ડૉ. શીતલ કોઇશાએ જણાવ્યું કે, સ્થાનિક લોકવારસાનું જતન માત્ર મેળા અને ઉત્સવોની ઉજવણી પૂરતું સીમિત ન રહેવું જોઈએ. તેના ઇતિહાસ, પરંપરા અને લોકજીવનનું વ્યવસ્થિત દસ્તાવેજીકરણ કરીને નવી પેઢી સુધી પહોંચાડવું પણ એટલું જ જરૂરી છે. આ હેતુથી સુરેન્દ્રનગર જિલ્લાના વિવિધ શૈક્ષણિક સંસ્થાઓ અને શાળાઓ સુધી પુસ્તક પહોંચાડવાની પહેલ અંગે પણ તેમણે માહિતી આપી હતી.

યંગ ઇન્ડિયા રિસર્ચ ફાઉન્ડેશન (YIRF), ગાંધીનગરનાં ડાયરેક્ટર ડૉ. શીતલ કોઇશાના પાંચ વર્ષના સંશોધનના પરિણામે તૈયાર થયેલા આ ગ્રંથમાં પાંચાળ પ્રદેશની લોકસંસ્કૃતિના વિવિધ પાસાંઓને એકત્રિત કરીને સંદર્ભરૂપે રજૂ કરવામાં આવ્યા છે. કાર્યક્રમમાં ઉપસ્થિત લોકપ્રતિનિધિઓ અને શૈક્ષણિક ક્ષેત્રના અગ્રણીઓએ પુસ્તકના પ્રકાશન બદલ ડૉ. કોઇશાને અભિનંદન પાઠવ્યા હતા.

તરણેતર મેળાના પરંપરાગત માહોલ વચ્ચે થયેલા પુસ્તક વિમોચનથી મેળાની સાંસ્કૃતિક પરંપરા સાથે પાંચાળ પ્રદેશના ઇતિહાસ અને લોકવારસાના દસ્તાવેજીકરણને પણ સ્થાન મળ્યું છે.