Surendranagar: લખતરમાં રખડતા ઢોરનો આતંક CCTVમાં કેદ, આખલાએ શેરીમાં રમતા બાળકને પછાડી પગથી ખુંદી નાંખ્યો

વિફરેલા આખલાએ શિંગડે ચડાવી 3 વર્ષના બાળકને હવામાં ફંગોળી કાદવમાં પટક્યો. માતા બચાવવા દોડી, તો તેની નજર સામે જ પગથી ખુંદી નાંખ્યો

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Wed, 18 Jun 2025 05:07 PM (IST)Updated: Wed, 18 Jun 2025 05:07 PM (IST)
surendranagar-news-stray-cattle-menace-bull-attack-on-child-in-lakhtar-caught-in-cctv
HIGHLIGHTS
  • બાળકને ગંભીર હાલતમાં સારવાર અર્થે હોસ્પિટલ ખસેડ્યો

Surendranagar: સુરેન્દ્રનગર જિલ્લાના લખતર પંથકમાં રખડતા ઢોરનો આતંક યથાવત જોવા મળી રહ્યો છે. જેમાં લખતર હાઈવે પર આવેલી એક હોટલના પાછળના ભાગમાં શેરીમાં રમી રહેલા એક 3 વર્ષના બાળક પર રખડતા આખલાએ હુમલો કરતાં અફરા-તફરી મચી જવા પામી હતી. આ સમગ્ર ઘટના નજીકના CCTVમાં કેદ થઈ ગઈ હતી.

CCTVમાં જોઈ શકાય છે કે, લાલ ટી-શર્ટ પહેરીને ટાબરિયો હાંફળો-ફાંફળો થઈને ભાગી રહ્યો છે. જ્યારે તેની આગળ એક વિફરેલો આખલો શિંગડે ભેરવીને બાળકને હવામાં ફંગોળીને કાદવમાં નીચે પટકે છે. આ સમયે મહિલાઓ ચીસાચીસ કરીને દોટ મૂકે છે. જો કે આખલો અટકવાની જગ્યાએ બાળકને તેના પગ વડે ખુંદતો રહે છે.

જો કે આ સમયે બાળકની માતા સહિત આસપાસની મહિલાઓ તરત જ દોડી આવે છે અને હિંમતપૂર્વક આખલાને ભગાડી મૂકે છે. જેના પરિણામે બાળકનો જીવ બચી જાય છે.

બીજી તરફ આખલાના હુમલામાં ઈજાગ્રસ્ત બાળકને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. આ ઘટનાના પગલે સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. લખતર પંથકમાં સતત વધી રહેલા રખડતા ઢોરના ત્રાસથી લોકો ત્રાહિમામ પોકારી રહ્યા છે અને આ ત્રાસમાંથી મુક્તિ મળે તેવી માંગ કરી રહ્યાં છે.