Ahmedabad: વિમાન દુર્ઘટનાને પગલે 148મી રથયાત્રા સાદાઈથી નીકળે તેવી ચર્ચા, ટૂંક સમયમાં મંદિર ટ્રસ્ટ અને સરકારની બેઠકમાં નિર્ણય

મંદિર ટ્રસ્ટ દ્વારા દર વર્ષની જેમ ભવ્ય રીતે રથયાત્રા કાઢવા અંગેની તૈયારીઓને આખરી ઓપ અપાઈ રહ્યો છે.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Wed, 18 Jun 2025 04:34 PM (IST)Updated: Wed, 18 Jun 2025 04:34 PM (IST)
ahmedabad-news-148th-rath-yatra-is-likely-to-be-a-simple-one
HIGHLIGHTS
  • માત્ર રથ અને પ્રસાદની ટ્રક સાથે રથયાત્રા નીકળે તેવી ચર્ચા

Ahmedabad: આગામી 27 જૂનના રોજ દેશની બીજા નંબરની સૌથી મોટી ભગવાન જગન્નાથની 148મીં રથયાત્રા માટેની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. જો કે રથયાત્રાના પખવાડિયા પૂર્વે અમદાવાદના મેઘાણીનગરમાં ગોઝારી વિમાન દુર્ઘટનામાં 265 જેટલા લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે, ત્યારે આ વખતે રથયાત્રા સાદાઈથી નીકળે તેવી ચર્ચાઓએ જોર પકડ્યું છે. એવામાં જગન્નાથ મંદિરના મહંત દિલીપદાસજીનું મોટું નિવેદન આવ્યું છે.

જગન્નાથ મંદિરના મહંતે જણાવ્યું કે, અમદાવાદમાં રથયાત્રા પૂર્વે જ ગોઝારી વિમાન દુર્ઘટના ઘટી છે. અત્યારે તો દર વર્ષની જેમ પરંપરાગત રીતે રથયાત્રા નીકળે તે પ્રમાણેની તૈયારી કરવામાં આવી રહી છે. જો કે હજુ સુધી રથયાત્રા સાદગીથી કાઢવા અંગે કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. આ સંદર્ભે સરકાર સાથે ચર્ચા-વિચારણા કરીને જ અંતિમ નિર્ણય લેવામાં આવશે.

જણાવી દઈએ કે, ગઈકાલે જ જગન્નાથ મંદિરના ટ્રસ્ટી, મ્યુનિસિપલ કોર્પોરેશનના પદાધિકારીઓ, ઉચ્ચ પોલીસ અધિકારીઓ તેમજ એકતા સમિતિની બેઠક મળી હતી. રથયાત્રાના આયોજન અને વ્યવસ્થાના ભાગરૂપે મળેલી આ બેઠકમાં લોકોએ પોત-પોતાના સૂચનો રજૂ કર્યાં હતા.