Surendranagar: સુરેન્દ્રનગર જિલ્લાના ધજાળાના હડાળા ગામે રહેતી 40 વર્ષીય મહીલાએ પોતાના પુત્રના લગ્નના બે મહિના પહેલા કોઇ કારણસર ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કરતા સારવાર માટે સિવિલ હોસ્પિટલ રાજકોટ ખાતે ખસેડાયા બાદ તેનું મોત થતા પરિવારમાં શોક વ્યાપી ગયો છે.
આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, સાયલા તાલુકાના હડાળા ગામે રમેશભાઇની વાડીએ રહેતા અને ખેત મજૂરી કરતા સંગીતાબેન રમેશભાઇ કોળી (40) નામની મહિલાએ વાડીએ ઝેરી દવા પી લેતા સારવાર માટે પ્રથમ સુરેન્દ્રનગર અને ત્યારબાદ રાજકોટ ખસેડાઇ હતી. જયાં રાજકોટ સિવિલ હોસ્પીટલમાં સારવાર દરમિયાન તેનું મોત થયું હતું.
પોલીસ તપાસમાં જાણવા મળતી વિગતો મુજબ, મૃતક સંગીતાબેનના પુત્ર રામજીના વડોદરા ખાતે લગ્ન નક્કી થયા હતા. આગામી તા.21 ફેબ્રુઆરીએ પુત્રના લગ્ન લેવાના હોય, આજે પરિવાર સાથે લગ્ન માટે ઘરેણાની ખરીદી કરવા જવાના હતા. ગઇકાલે રાત્રે પરિવારના સભ્યો સાથે ભોજન લીધા બાદ બધા સૂઇ ગયા હતા ત્યારે રાત્રે સંગીતાબેને કોઇ કારણસર ઝેરી દવા પી લીધી હતી. જેમનું સારવાર દરમિયાન મોત થતા કોળી પરિવારમાં જયાં લગ્નની ખુશીના માહોલામાં માતમ છવાઇ ગયો હતો.
રાવકીમાં રાજીનામું મૂકનાર એન્જિનિયર કંપનીમાં આવતા સિક્યુરિટી ગાર્ડે ફટકાર્યો
રાજકોટ શહેરના હુડકો ચોકડી પાસે રહેતો વિનેશ (27) ગઇકાલે બપોરે 2 વાગ્યાનાં અરસામા રાવકી પાસે આવેલ સિલ્વર મેડીકાસ્ટ નામની કંપનીમા હતો, ત્યારે સીકયુરીટી ગાર્ડે ઝઘડો કરી માર માર્યો હતો . હુમલામા ઘવાયેલા યુવકને સારવાર માટે સિવીલ હોસ્પીટલ ખાતે ખસેડવામા આવ્યો હતો.
પ્રાથમીક પુછપરછમાં વિનેશ સિલ્વર મેડીકાસ્ટ કંપનીમા મીકેનીકલ એન્જિનિયર તરીકે નોકરી કરતો હતો અને 3 મહિના પહેલા રાજીનામું આપી દીધુ હતુ. જે પાસ નહી થતા વિનેશ નકુમ ગઇકાલે કંપનીમાં ગયો હતો,ત્યારે સિકયુરિટી ગાર્ડે આઇ કાર્ડ માંગતા વીનેશ નકુમે આઇ કાર્ડ કંપનીની અંદર પડયુ હોવાનુ જણાવતા ગાર્ડે ઉશ્કેરાય જઇ માર માર્યો હોવાનો આક્ષેપ કર્યો છે.
