Rajkot: રાજકોટ શહેરમાં તાજેતરમાં જ નર્સિંગ સ્ટાફની ભરતી આવી હતી, જેમાં પાસ કરાવી દેવાની અને નોકરી અપાવી દેવાની લાલચ આપી એક યુવતી સહિત પાંચ લોકો પાસેથી પૈસા પડાવી રૂ. 34.20 લાખ રૂપિયા પડાવી લેતા મામલો પોલીસ મથકે પહોંચ્યો છે. આ મામલે પોલીસે શિતલ પાર્ક પાસે આવેલા પલેકસસ હોસ્પિટલના ઇન્ચાર્જ અને તેમનાં મિત્ર સાગર દાફડા વિરુદ્ધ છેતરપિંડી કર્યાની ફરિયાદ નોંધાવી છે.
આ અંગે પ્રાપ્ત વિગતો પ્રમાણે, રાજકોટમાં લક્ષ્મીનગર સોસાયટીમાં આવેલ RMC ક્વાર્ટરમાં રહેતાં મૂળ કોડીનારના આદપોકાર ગામના વતની દેવશીભાઈ જગમાલભાઈ વંશ (ઉ.વ.25) નોંધાવેલ ફરીયાદમાં આરોપી તરીકે સંદીપ લોખીલ (રહે. એઇમ્સ હોસ્પિટલ પાસે, જામનગર રોડ) અને સાગર દાફડાનું નામ આપતાં ગાંધીગ્રામ પોલીસે ગુનો નોંધી તપાસ આદરી હતી.
આ પણ વાંચો
વધુમાં ફરીયાદીએ જણાવ્યું હતું કે, તે શીતલ પાર્ક પાસે આવેલ પ્લેક્સસ હોસ્પિટલમાં નર્સિંગ સ્ટાફ તરીકે નોકરી કરે છે, તેમની સાથે આરોપી લોખીલ સંદીપ પણ નોકરી કરે છે, જે નર્સ સ્ટાફના ઇન્ચાર્જ તરીકે ફરજ બચાવે છે.
ગત વર્ષના ડિસેમ્બર મહિનામાં આરોપીએ તેને ગુજરાત સરકાર દ્વારા લેવામાં આવનાર સ્ટાફ નર્સની ભરતીમાં પાસ થવું હોય તો તેમની પાસે કોન્ટેક્ટ છે. જેથી યુવાનને સરકારી નોકરી લેવાની ઈચ્છા હોવાથી તેને નોકરીમાં સેટીંગ કરી આપવાં હા પાડી હતી. જે બાદ આરોપી સંદીપે જણાવ્યું હતું કે, સ્ટાફ નર્સની પરીક્ષા તા.09-02-2025 ના લેવાનાર છે, જેમના આગલા દિવસે તમને પેપર મળી જશે, જે પેપર 200 માર્કસનું હશે તેમાંથી તમને 100 થી 150 માર્ક્સના જવાબ આપવામાં આવશે. જે માટે તમારે રૂ.6 લાખ આપવાના રહેશે તેવી વાત કરી હતી.
આથી ફરીયાદી અને તેના મિત્રએ આરોપીના વાતમાં આવી બંનેના રૂ.12 લાખ આપ્યાં હતાં. જે બાદ પરીક્ષાની તારીખ આવતાં કોઈ પેપર આવ્યાં ન હતાં અને પરીક્ષા આપ્યા બાદ તેઓનું મેરીટ લિસ્ટમાં નામ પણ આવ્યું ન હતું. આથી આરોપીનો સંપર્ક કરતા તેમને જણાવ્યું હતું કે મેં રાજકોટના સાગર દાફડા મારફત તમારું સેટિંગ કરાવ્યું હતું. તમારા રૂપિયા તેને આપેલ છે, જેમના તરફથી જવાબ આપશે તે બાદ હું તમને તમારા રૂપિયા પરત આપીશ. જો કે આજ સુધી આરોપીઓએ રૂૂપિયા પરતના આપી છેતરપિંડી આચરી હતી.
જે બાદ વધુ તપાસ કરતા જાણવા મળ્યું કે, ફરિયાદી બંને મિત્રો સિવાય હરેશ કમાભાઇ ગમારા પાસેથી રૂપિયા 8.10 લાખ, મેલાભાઈ જગાભાઈ ચાવડા પાસેથી પણ રૂપિયા 8.10 લાખ તેમજ વર્ષાબેન મનસુખભાઈ રાઠોડ પાસેથી રૂ.6 લાખ મેળવી કુલ રૂપિયા 34.20 લાખની છેતરપિંડી આચરી હતી. આ છેતરપીંડીની ઘટના મામલે ગાંધીગ્રામનાં પીઆઇ મેઘાણીની રાહબરીમા પીએસઆઇ જાડેજા સહીતનાં સ્ટાફે આરોપી સંદીપ અને તેમનાં મીત્રો સાગર દાફડાની શોધખોળ શરુ કરી છે તેમજ આ ઘટનામા હજુ કેટલા લોકો ભોગ બન્યા છે એ અંગે પણ તપાસ કરવામા આવી રહી છે.
