Surendranagar: સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકાના શિયાણી ગામ ખાતે હિસ્ટ્રી શીટર દિવ્યરાજ ઉર્ફે બુલ બોરાણા નામના વ્યક્તિ દ્વારા રી-કન્સ્ટ્રક્શનની કામગીરી દરમિયાન પોલીસ પર છરી વડે હુમલો કરવામાં આવ્યો હતો. જેના પગલે સ્વ બચાવમાં પોલીસ દ્વારા ચાર રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું હોવાની ઘટના સામે આવી છે.
આ અંગે વિગતો આપતા લીંબડી ડિવિઝનના DySp વિશાલ રબારીએ જણાવ્યું કે, ગત 17 નવેમ્બર,2025ના રોજ દિવ્યરાજ ઉર્ફે બુલ બોરાણા, મનસુખ દેવીપૂજક, વિજય દેવીપૂજક સહિત બે અજાણ્યા ઈસમોએ શિયાણી ગામમમાં રહેતા જશુબેન અઘારાના ઘર બહાર પાર્ક કરેલા બાઈક સાથે ટ્રેક્ટર ભટકાવ્યું હતુ. આ મામલે બોલાચાલી થતાં આરોપીઓએ ગાળો ભાંડી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી.
આટલું જ નહીં, જશુબેન અઘરાને કહ્યું હતું કે, તારો દીકરો ક્યાં છે, આજે તેને પતાવી દેવો છે. જો કે હોબાળો થતાં આરોપીઓ ઘટના સ્થળેથી ભાગી છૂટ્યા હતા.
આ મામલે જશુબેનની ફરિયાદના આધારે લીંબડી પોલીસ દ્વારા દિવ્યરાજ ઉર્ફે બુલ બોરાણાની ધરપકડ કરવામાં આવી હતી. જે બાદ આજે દિવ્યરાજને રિ-કન્સ્ટ્રક્શન માટે ઘટના સ્થળે લઈ જવામાં આવ્યો હતો. જ્યાં ગુનામાં વાપરવામાં આવેલ હથિયાર કબજે કરવાની કામગીરી ચાલી રહી હતી.
આ દરમિયાન સાંજે સાડા 5 થી 6 વાગ્યાના અરસામાં દિવ્યરાજ રાણાએ લીંબડી પોલીસ સ્ટેશનના ASI ધર્મેન્દ્રસિંહ પરમાર ઉપર તિક્ષ્ણ હથિયાર વડે હુમલો કર્યો હતો. આ હુમલામાં ધર્મેન્દ્રસિંહ ઘાયલ થયા હતા. બીજી તરફ સ્વ બચાવમાં લીંબડી પોલીસ સ્ટેશનના PSI વી.એમ. કોડીયાતર દ્વારા પોતાની સર્વિસ રિવોલ્વરમાંથી 4 રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું હતુ. જે પૈકી એક ગોળી દિવ્યરાજ ઉર્ફે બુલના પગમાં વાગતા તેને ઈજા પહોંચી હતી.
પોલીસની પ્રાથમિક તપાસમાં દિવ્યરાજ ઉર્ફે બુલ વિરુદ્ધ અગાઉ 11 જેટલા ગુના નોંધાઈ ચૂક્યા હોવાનું સામે આવ્યું છે. જેમાં મારામારી, રાયોટીંગ, પ્રોહિબિશન, જાનથી મારી નાખવાની ધમકી આપવી સહિતની કલમ અંતર્ગત ગુના નોંધાઈ ચૂક્યા છે.
