સુરેન્દ્રનગરમાં સાર્વત્રિક મેઘમહેરઃ લખતરમાં સૌથી વધુ સાડા 3 ઈંચ, સાયલામાં બે કલાકમાં સવા 2 ઈંચ ધોધમાર ખાબક્યો

આજે આખા દિવસ દરમિયાન 42 તાલુકામાં 1 ઈંચથી વધુ, 14 તાલુકામાં 2 ઈંચથી વધુ તેમજ માત્ર ત્રણેક તાલુકામાં 3 ઈંચથી વધુ વરસાદ

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Fri, 04 Jul 2025 06:55 PM (IST)Updated: Fri, 04 Jul 2025 06:56 PM (IST)
HIGHLIGHTS
  • ગુજરાતના 173 તાલુકામાં વરસાદી માહોલ છવાયો
  • સુરતના પલસાણા તાલુકામાં સૌથી વધુ 89 મિ.મી પાણી પડ્યું

Surendranagar Gujarat Rain Data: ગુજરાતમાં ચોમાસાનું આગમન થયું, ત્યારથી સતત વરસાદ વરસી રહ્યો છે. હવામાન વિભાગ દ્વારા આગામી 8 જુલાઈ સુધી રાજ્યના વિવિધ ભાગોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, ત્યારે આજે સુરેન્દ્રનગર જિલ્લામાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે.

ગાંધીનગર સ્થિત સ્ટેટ ઈમરજન્સી ઑપરેશન સેન્ટર (SEOC) દ્વારા જારી કરવામાં આવેલા આંકડા અનુસાર, આજે સાંજે 6 વાગ્યા સુધીમાં રાજ્યના 173 તાલુકામાં નોંધપાત્ર વરસાદ વરસ્યો છે. જે પૈકી સૌથી વધુ 89 મિ.મી (3.5 ઈંચ) વરસાદ સુરત જિલ્લાના પલસાણા તાલુકામાં નોંધાયો છે. જ્યારે બનાસકાંઠાના વાવ, દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુરમાં 76-76 મિ.મી (2.9 ઈંચ), બોટાદના ગઢડામાં 75 મિ.મી (2.9 ઈંચ), વલસાડના વાપીમાં 72 મિ.મી (2.8 ઈંચ),વલસાડ શહેરમાં 71 મિ.મી (2.7 ઈંચ) વરસાદ પડ્યો છે.

સુરેન્દ્રનગર જિલ્લામાં ખાબકેલા વરસાદની વિગતો જોઈએ તો, લખતર તાલુકામાં 87 મિ.મી (3.4 ઈંચ), સાયલામાં 71 મિ.મી (2.8 ઈંચ), વઢવાણમાં 64 મિ.મી (2.5 ઈંચ), થાનગઢમાં 42 મિ.મી (1.6 ઈંચ), લીંબડીમાં 18 મિ.મી., ચૂડામાં 8 મિ.મી, ધાંગધ્રામાં 7 મિ.મી, મૂળીમાં 4 મિ.મી વરસાદ વરસ્યો છે. જે પૈકી સાંજે 4 થી 6 વાગ્યા સુધીના 2 કલાકના સમયગાળામાં જ સાયલામાં 57 મિ.મી, વઢવાણમાં 42 મિ.મી, થાનગઢમાં 42 મિ.મી અને લખતરમાં 25 મિ.મી વરસાદ નોંધાયો છે.

આમ આજે આખા દિવસ દરમિયાન 42 તાલુકામાં 1 ઈંચથી વધુ, 14 તાલુકામાં 2 ઈંચથી વધુ તેમજ માત્ર ત્રણેક તાલુકામાં 3 ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે.