Surendranagar: રાજ્યમાં વધુ નફો કમાવવાની લાલચે અસામાજિક તત્વો આવું કામ કરીને લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતા હોવાનું અગાઉ પણ સામે આવ્યું છે. ત્યારે સુરેન્દ્રનગરમાંથી નકલી ઘીનું નેટવર્ક ઝડપી લેવાયું છે. સુરેન્દ્રનગરમાં ફૂડ એન્ડ ડ્રગ વિભાગ અને સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા સંયુક્ત ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં ટીમે અમુલ પ્યોર ઘીના લેબલવાળા 22 ઘીના શંકાસ્પદ ડબ્બા જપ્ત કરી લીધા છે.
SOG અને ફૂડ વિભાગની કામગીરી
મળતી માહિતી મુજબ, સુરેન્દ્રનગરમાં ટાંકીચોકમાં આવેલી જે. સી એન્ડ કંપનીમાથી કરવામાં આવેલી તપાસમાં 16 ડબ્બા મળ્યા હતા. જ્યારે મહેતા માર્કેટમાં આવેલી આદિનાથ એન્ટરપ્રાઈઝમાંથી ટીમને શંકાસ્પદ ઘીના 6 ડબ્બા મળી આવ્યા હતા. જેને પગલે SOG ટીમે 22 ડબ્બા કબ્જે કરીને કાર્યવાહી કરી હતી.
શંકાસ્પદ ઘી અંગે તપાસ ચાલી રહી છે
SOGની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું કે, સુરેન્દ્રનગરના ટાંકી ચોકમાં જે.સી એન્ડ કંપનીનો એક માણસ અમદાવાદથી ઘીના ડબ્બા લાવીને મહેતા માર્કેટના વેપારીઓને સપ્લાય કરતો હતો. જ્યારે આ રેકેટ કેટલું મોટું છે. તેની તપાસ ચાલી રહી છે.
નકલી ઘીના સેમ્પલ લેવાયા
નકલી ઘીના ડબ્બા મામલે ફૂડ ઈન્સ્પેક્ટર પી.બી. સાવલીયાના જણાવ્યા મુજબ, શનિવાર સવારે 11 વાગ્યાના સુમારે એસઓજી અને ટીમ દ્વારા કાર્યવાહી હાથ ધરાઈ હતી. ઓપરેશન દરમિયાન સ્થળ પરથી 15 કિલોના ટીન ડબ્બામાંથી 3 સેમ્પલ લેવાયા છે. જેની વધુ તપાસ અર્થે સેમ્પલને વડોદરાની લેબ ખાતે મોકલાયા છે.
સેમ્પલના રિપોર્ટ બાદ કાર્યવાહી હાથ ધરાશે
રિપોર્ટ આવ્યા બાદ વધુ તપાસ હાથ ધરાશે તેમજ આ ઓપરેશનમાં SOG PI ભાવેશ સિંગરખીયા અને તેમની ટીમ ઉપરાંત ફૂડ ઈન્સ્પેક્ટર પી.બી સાવલીયા તેમજ એ.જે પ્રજાપતિની ટીમ દ્વારા સઘન કામગીરી હાથ ધરાઈ હતી.
