સુરેન્દ્રનગરમાં લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા, અમૂલના નામે લોકોને નકલી ઘી પધરાવવાના કાળા કારોબારનો પર્દાફાશ

સુરેન્દ્રનગરમાં અમૂલના નામે નકલી ઘી વેચવાનું મોટું રેકેટ ઝડપાયું છે, જેમાં ચાર આરોપીઓ સામે ફરિયાદ નોંધાઈ છે. પોલીસે હેત્વી સેલ્સ અને જેસી એન્ડ કંપનીમાંથી લાખોનો નકલી ઘીનો જથ્થો જપ્ત કર્યો અને અમદાવાદ સુધીના તાર મળ્યા.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Sat, 04 Jul 2026 05:16 PM (IST)Updated: Sat, 04 Jul 2026 05:16 PM (IST)
surendranagar-news-fake-amul-ghee-racket-bused-seized-90-kg-ghee

Surendranagar: સુરેન્દ્રનગર શહેરમાં શુદ્ધ ઘીના નામે ગ્રાહકોને જાણીતી બ્રાન્ડ અમૂલના નામે નકલી અને ડુપ્લીકેટ ઘી પધરાવીને લોકોના આરોગ્ય સાથે ગંભીર ખિલવાડ કરવાનું એક આખું નેટવર્ક ઝડપાયું છે. આ મામલે અમૂલ કંપની (GCMMF)ના બ્રાન્ચ મેનેજરે રૂબરૂ આવીને સુરેન્દ્રનગર સિટી એ-ડિવિઝન પોલીસ મથકે ચાર ઈસમો અને પેઢી સામે સત્તાવાર ફરિયાદ નોંધાવી છે.

અમદાવાદ કાંકરિયા બ્રાન્ચના મેનેજર મનિષકુમાર હરિસિંહભાઇ ચૌધરીએ નોંધાવેલી ફરિયાદ અનુસાર, SOG PI બી.એચ. શીંગરખીયા અને સ્ટાફે સુરેન્દ્રનગર મહેતા માર્કેટમાં આવેલી પ્રિતેષભાઇ હસમુખભાઇ લાલાણીની હેત્વી સેલ્સ નામની દુકાનમાં રેઇડ કરી હતી.

જ્યાંથી અમૂલ પ્યોર ઘી લખેલા 15 કિલોના 6 નકલી ડબ્બા કિંમત રૂ.60,000 અને અન્ય શંકાસ્પદ જથ્થો મળી કુલ રૂ.3,11,600નો માલ પકડાયો હતો. આ ઘી ક્યાંથી લાવ્યા તેની પૂછપરછ કરતાં જાણવા મળ્યું કે, તે ટાંકી ચોકમાં આવેલી જેસી એન્ડ કંપનીમાંથી લાવ્યા હતા.


અમદાવાદની નારાયણી એન્ટરપ્રાઇઝનું કનેક્શન

ટાંકી ચોકની જેસી એન્ડ કંપનીના માલિકોની જ્યારે પોલીસે પૂછપરછ કરી ત્યારે આ નેટવર્કના તાર અમદાવાદ સુધી જોડાયા હોવાનું બહાર આવ્યું હતું. પકડાયેલા વેપારીઓએ કબૂલાત કરી કે, અમૂલ ઘીનો જથ્થો અમદાવાદની નારાયણી એન્ટરપ્રાઇઝ વાળા પાસેથી લાવ્યા હતા.

અમૂલ ડેરીની તપાસમાં ઘી ડુપ્લિકેટ હોવાની પુષ્ટિ

SOG પોલીસે પકડેલા આ શંકાસ્પદ ઘીના બેન્ચ કોડ બાબતે અમૂલ કંપનીની હેડ ઓફિસ આણંદ ખાતે ખરાઈ કરી હતી. કંપનીના ક્વોલિટી એસ્યોરન્સ ઓફિસર શિવાની પઢીયારની તપાસમાં બહાર આવ્યું હતું કે, આ બેન્ચ કોડવાળું ઘી સાબરકાંઠા ડેરી હિંમતનગર, ભાવનગર ડેરી કે અમૂલ ફેડ ડેરી ગાંધીનગર દ્વારા ઉત્પાદિત કરાયું નથી. આરોપીઓએ અમૂલ બ્રાન્ડના નામનો ઉપયોગ કરીને ડુપ્લિકેટ ઘીનો જથ્થો બજારમાં અસલી તરીકે વેચવા રાખ્યો હતો.