Surendranagar: થાનગઢની આશીર્વાદ હૉસ્પિટલમાં ગોરખધંધાનો પર્દાફાશ, 12 પાસ બની બેઠેલો ડૉક્ટર ગેરકાયદેસર ગર્ભ પરિક્ષણ અને ગર્ભપાત કરાવતો

રાજેશ ગોજિયા ગર્ભપાત માટે 1 લાખ રૂપિયા લેતો હતો. રાણપુર અને ચોટીલામાં પણ સોનોગ્રાફી મશીનની મદદથી ગર્ભ પરિક્ષણ કરાવતો હતો.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Tue, 16 Sep 2025 07:36 PM (IST)Updated: Tue, 16 Sep 2025 07:36 PM (IST)
surendranagar-news-doctor-with-12th-pass-was-conducting-illegal-pregnancy-tests-and-abortions
HIGHLIGHTS
  • 13 સપ્ટેમ્બરે રાજકોટની દુષ્કર્મ પીડિતાને ગર્ભપાત માટે આશીર્વાદ હોસ્પિટલ લવાઈ
  • રાજેશ ગોજિયા 7 વર્ષથી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલની હાટડી ચલાવતો

Surendranagar: સુરેન્દ્રનગર જિલ્લાની ગાયનેક હોસ્પિટલોમાં ગેરકાયદેસર પ્રવૃતિઓ ધમધમતી હોવાના ચોંકાવનારા ખુલાસા તાજેતરમાં થયા છે. ખાનગી હોસ્પિટલોમાં નિયમોનો ઉલાળિયો કરીને ગેરકાયદેસર ગર્ભ પરિક્ષણ તેમજ ગર્ભપાત કરીને છૂપી રીતે ભૃણનો નિકાલ કરવામાં આવતો હોવાની ફરિયાદો ઉઠી છે. એવામાં આવો જ વધુ એક બનાવ સામે આવ્યો છે.

સુરેન્દ્રનગર જિલ્લાના થાન તાલુકામાં માત્ર ધોરણ 12 પાસ રાજેશ ગોજિયા છેલ્લા 7 વર્ષથી આશીર્વાદ મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલ ચલાવી રહ્યો હતો. જે ખુદને ડોક્ટર ગણાવતો હતો. આટલું જ નહીં, રાજેશ ગેરકાયદેસર રીતે ગર્ભપાત અને ડિલિવરી પણ કરાવતો હતો. રાજેશ ગર્ભ પરિક્ષણ પણ કરતો હતો.

હકીકતમાં ગત 13 સપ્ટેમ્બરના રોજ રાજકોટની એક દુષ્કર્મ પીડિતાને ગર્ભપાત માટે આશીર્વાદ હોસ્પિટલમાં લાવવામાં આવી હતી. જેણે ભૃણને ધાબા પર છૂપાવીને જતી રહી હતી.

આ કેસની તપાસ કરી રહેલી પોલીસના ધ્યાનમાં આવ્યું કે, રાજેશ ગોજિયા ગર્ભપાત માટે એક કેસના 1 લાખ રૂપિયા સુધી વસૂલતો હતો. આ કેસમાં વિકાસ નામના એજન્ટનું નામ પણ સામે આવ્યું છે.

પ્રાથમિક તપાસમાં સામે આવ્યું કે, રાજેશ ગોજિયા બોટાદ જિલ્લાના રાણપુર અને સુરેન્દ્રનગરના ચોટીલામાં પણ સોનોગ્રાફી મશીનની મદદથી ગેરકાયદેસર રીતે ગર્ભપરિક્ષણ કરતો હતો. જે બાદ સોનોગ્રાફી મશીનો સીલ કરી દેવામાં આવ્યા છે.

ચોટીલાની સત્યજીવનની સાર્વજનિક હોસ્પિટલમાં પણ રાજેશ ગોજિયાના નામે સોનોગ્રાફી મશીન મળી આવ્યું છે, જે તેણે નેપાળથી ખરીદ્યું હતુ. જેના બિલમાં નામની કૉલમમાં માત્ર ડૉક્ટર જ લખેલું છે, જ્યારે હોસ્પિટલના GST નંબરની જગ્યાએ સ્થાનિક પિન કોડ નાંખવામાં આવ્યો હતો.

આ મામલે પોલીસે ડો. પટેલ ઉર્ફે દિનેશ ઘરસાડિયા અને નીતા ઝીંઝુવાડિયા વિરુદ્ધ પણ ગુનો દાખલ કર્યો છે. હાલ તો પોલીસે હોસ્પિટલમાંથી મળેલા ડોક્યુમેન્ટ, સોનોગ્રાફી મશીન કબજે કર્યાં છે.

થાનગઢમાં મોટાભાગની પ્રસુતાના મોતમાં આશીર્વાદ હોસ્પિટલ સંકળાયેલી
તાજેતરમાં જ 5 સગર્ભા મહિલાઓએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. પોલીસ તપાસમાં સામે આવ્યું કે, ડિલિવરી વખતે તાલીમબદ્ધ સ્ટાફ કે નિષ્ણાંત તબીબ હાજર નહતા. તેમજ હોસ્પિટલમાંથી એક્સપાયર્ડ થઈ ગયેલી દવાઓ મળી આવી. જ્યારે દર્દીઓ સબંધિત કોઈ રેકોર્ડ પણ નહતો મળ્યો. થાનગઢમાં જેટલી સગર્ભા મહિલાઓનું ડિલિવરી દરમિયાન મોત થયું, તે પૈકી મોટાભાગના આશીર્વાદ હોસ્પિટલ સાથે સંકળાયેલા હોવાનું સામે આવ્યું છે.

ચોટીલાની હોસ્પિટલોમાં પણ સઘન ચેકિંગ
આ ગોરખધંધાનો ઘટસ્ફોટ થયા બાદ જિલ્લા વહીવટી તંત્ર હરકતમાં આવ્યું છે. આજે થાન અને ચોટીલાની હોસ્પિટલોમાં સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતુ. જેમાં હોસ્પિટલમાંથી મળી આવેલા સોનોગ્રાફી મશીન અંગે પણ તપાસ કરવામાં આવી હતી.