Surendranagar: સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રામાં અંધશ્રદ્ધાના નામે એક માસૂમી હત્યાની ભયાનક ઘટના સામે આવી છે. અંધશ્રદ્ધાએ નામે એક માસૂમ બાળકનું જીવન છીનવી લીધું છે. ધાંગધ્રામાં સંતાનપ્રાપ્તિની માનતા પૂર્ણ થા બાદ તાંત્રિકે ઘેટાની બલિની માંગ કરી હતી. પરિવારે તાંત્રિકની માંગનો વિરોધ કરતા રોષે ભરાઈને તાંત્રિક મહિલાએ 4 વર્ષના બાળકનું અપહરણકરીને પાણીના ટાંકામાં નાખીને હત્યા કરી નાખી હતી. જેની ફરિયાદ ધ્રાંગધ્રા સીટી પોલીસ મથકે નોંધવામાં આવી છે.
પુત્ર પ્રાપ્તિ માટે મહિલા તાંત્રિકનો સંપર્ક
મળતી વિગતો મુજબ, ધ્રાંગધ્રા શહેરના પુનિતનગરમાં રહેતા ફારુકભાઈ એછવાડીયા કલરકામ કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે. તેમને સંતાનમાં 4 દિકરીઓ હોવાથી પુત્રની ઈચ્છાને વશ થઈને તેમણે રેહાન રફીક માયક નામની તાંત્રિક મહિલાનો સંપર્ક કર્યો હતો. મહિલા તાંત્રિકે એવી શરત મૂકી કે, જો તમને પુત્ર પ્રાપ્તિ થશે તો ગેલ માતાજીને ઘેટાની બલી આપવી પડશે. આ શરતે 1 ફેબ્રુઆરી 2022ના રોજ ફરિયાદીને ત્યાં કાર્તિક નામના પુત્રનો જન્મ થયો.
મહિલા તાંત્રિકે ઘેટાની બલી માંગી
મહિલા તાંત્રિકે ગત 28 માર્ચના રોજ ફારુકભાઈને ઘરે આવીને બલી આપવા દબાણ કર્યું હતું. જોકે, ફારુકભાઈએ દૈવી સંકેત મળે તે પછી જ બલી આપવાની વાત જણાવતા મહિલા તાંત્રિક ગુસ્સે ભરાઈ હતી અને પરિણામ ભોગવવાની ધમકી આપી હતી. ઉપરાંત તારીખ 2 એપ્રિલના રોજ 4 વર્ષીય માસૂમ ગુમ થઈ ગયો હતો.
ટાંકીમાંથી બાળકનો મૃતદેહ મળ્યો
પરિવારજનોએ બાળકની શોધખોળ હાથ ધરી હતી. તે જ સમયે મહિલા તાંત્રિક રેહાના તેના ઘરને તાળુ મારીને બહાર ઉભી હતી. પરિવારજનોને મહિલા તાંત્રિક પર શંકા જતા તપાસ કરી હતી. તપાસ દરમિયાન ઘરની ટાંકીમાંથી બાળક કાર્તિકનો મૃતદેહ મળી આવ્યો હતો. કોઈને અંદાજ નહોતો કે, આ હત્યા છે. બાળકના મૃતદેહને દફનાવી દેવાયો હતો.
પિતાએ નોંધાવી મહિલા તાંત્રિક સામે ફરિયાદ
બાળકના પિતાને શંકા જતા તેમણે17 એપ્રિલના રોજ પોલીસને જાણ કરી હતી. જેને પગલે નાયબ કલેક્ટરની પરવાનગી લઈને પોલીસે બાળકના મૃતદેહને બહાર કઢાવીને પોસ્ટમોર્ટમ કરાવ્યું હતું. તેમજ આ ઘટનાને પગલે ધ્રાંગધ્રા સીટી પોલીસ સ્ટેશનમાં તાંત્રિક રેહાના માયક વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
