Surendranagar News: આજરોજ જિલ્લા પ્રભારી મંત્રી દર્શનાબેન વાઘેલાના અધ્યક્ષસ્થાને પાટડી તાલુકાના ગવાણા ગામે સુરેન્દ્રનગર જિલ્લામાં માર્ગ અને મકાન વિભાગ (રાજ્ય) દ્વારા પ્રવાસીપથ યોજના અંતર્ગત દૂધરેજ-વણા-માલવણ-પાટડી-દસાડા-બેચરાજી રોડ (એસ.એચ.-18)ના હયાત 10 મીટર માર્ગને કિ.મી. 77/00 થી કિ.મી. 103/00 સુધી ચારમાર્ગીય (ફોર-લેન) બનાવવાના વિકાસકાર્યનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે સંબોધન કરતાં જિલ્લા પ્રભારી મંત્રી દર્શનાબેન વાઘેલાએ જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ માર્ગ અને મકાન વિભાગ દ્વારા રાજ્યમાં કનેક્ટિવિટી વધારવા અને રસ્તાઓને ફોરલેન બનાવવાના કામોને પ્રાથમિકતા આપવામાં આવી રહી છે. આ ફોરલેન માર્ગ દુધરેજથી લઈને છેક બેચરાજી સુધી ત્રણ ફેઝમાં તૈયાર કરવામાં આવી રહ્યો છે, જેમાં હાલ દસાડાથી બેચરાજી સુધીના માર્ગને રૂ. 145 કરોડના ખર્ચે ટૂ-લેનમાંથી ફોરલેનમાં રૂપાંતરિત કરવામાં આવી રહ્યો છે. આ આધુનિક ફોરલેન રસ્તો સૌરાષ્ટ્રથી મહેસાણા તેમજ પ્રસિદ્ધ યાત્રાધામ શંખેશ્વર જૈન મંદિર અને બેચરાજીને જોડશે, જેનાથી વાહનવ્યવહારની સુવિધા સુધરશે અને મુસાફરીનો સમય નોંધપાત્ર રીતે ઘટશે. આ ઉપરાંત, રાજસ્થાનથી મોરબી સિરામિક ઉદ્યોગ માટે આવતા કાચા માલની હેરફેરનો સમય ઘટશે અને ઔદ્યોગિક ઉત્પાદન, વેપારમાં ઝડપી પ્રગતિ થશે.
આ પણ વાંચો
આ ફોરલેન રસ્તાના નિર્માણથી સમગ્ર વિસ્તારમાં નવી ફેક્ટરીઓ અને ઉદ્યોગો સ્થાપિત થશે, જેનાથી સ્થાનિક યુવાનો માટે નોકરી અને રોજગારીની નવી તકો ઊભી થશે તેમજ આસપાસની જમીનોના મૂલ્યમાં પણ મોટો વધારો થશે. રાજ્ય સરકારે ગ્રામીણ વિસ્તારોમાં 24 કલાક વીજળી, સીસી રોડ, પ્રાથમિક શાળાઓમાં ઉત્તમ સુવિધાઓ અને કનેક્ટિવિટી પૂરી પાડીને ગ્રામીણ જીવનધોરણને આધુનિક બનાવ્યું છે. વધુમાં તેમણે સરકારીની વિવિધ કલ્યાણકારી યોજનાઓની જાણકારી આપી લોકોને વધુમાં વધુ તેનો લાભ લેવા જણાવ્યું હતું. દસાડા-બેચરાજી ફોરલેન રસ્તાની આ મહત્વપૂર્ણ ભેટ બદલ મંત્રીએ સ્થાનિક ગ્રામજનો અને આગેવાનોનો આભાર માની સુંદર ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવી હતી.
ધારાસભ્ય પી.કે.પરમારે સંબોધન કરતાં જણાવ્યું હતું કે, રાત્રિ દરમિયાન ભારે વાહનોની અવરજવરના કારણે થતા અકસ્માતો અટકાવવા અને પ્રજાજનોની સુરક્ષા માટે સુરેન્દ્રનગર-બેચરાજી માર્ગને ટુ-લેનમાંથી ચાર માર્ગીય (ફોર-લેન) બનાવવાના રૂ. 145 કરોડના કામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. આ ઉપરાંત તેમણે પાટડી વિધાનસભામાં માર્ગ-મકાન, આરોગ્ય અને શિક્ષણ ક્ષેત્રે કરેલા વિકાસ કાર્યો અંગેની વિસ્તૃતમાં જાણકારી આપી હતી.
આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ રંજનબેન ભુસડીયા, જિલ્લા પંચાયત કારોબારી ચેરમેન અજયસિંહ રાણા, આરોગ્ય સમિતિ ચેરમેને નટુજી ઠાકોર, સામાજિક ન્યાય સમિતિ ચેરમેને નાનજીભાઈ પરમાર, જિલ્લા પંચાયત સદસ્ય રમેશભાઈ ઠાકોર, તાલુકા પંચાયત પ્રમુખ નબુબેન ચાવડા, તાલુકા પંચાયત સામાજિક ન્યાય સમિતિ ચેરમેન વર્ષાબેન પરમાર, અગ્રણી સર્વે દિલીપભાઈ પટેલ, ખેંગારભાઈ ડોડીયા, સુખદેવભાઈ ઠાકોર, પ્રાંત અધિકારી મિલન રાવ, નાયબ પોલીસ અધિક્ષક નિકુંજ પટેલ, માર્ગ અને મકાન વિભાગ કાર્યપાલક ઇજનેર ડી.આર.પટેલ, નાયબ કાર્યપાલક ઇજનેર કલ્પેશભાઈ ચૌહાણ સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતાં.
