Tarnetar Mela 2026: સુરેન્દ્રનગરના વિશ્વપ્રસિદ્ધ અને ઐતિહાસિક તરણેતરના મેળાના આંગણે આ વર્ષે પણ 'સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત', જિલ્લા પ્રશિક્ષણ કેન્દ્ર, સુરેન્દ્રનગર અને તરણેતર ગ્રામ પંચાયતના સંયુક્ત ઉપક્રમે 'ગ્રામીણ ઓલિમ્પિક 2026' અને 'તૃતીય પારંપરિક ગ્રામીણ સ્પર્ધા'નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. રાજ્યભરમાંથી ઉમટી પડેલા યુવા ખેલાડીઓ અને લોકકલાકારોએ આ મેળામાં પોતાની પ્રતિભાનો અદ્ભુત જાદુ પાથરીને સૌનું ધ્યાન ખેંચ્યું હતું.
વરસાદી વિઘ્ન વચ્ચે પણ ખેલાડીઓનો અડગ ઉત્સાહ
મેળાના પ્રથમ દિવસે વરસાદનું વિઘ્ન નડવા છતાં ખેલાડીઓનો ઉત્સાહ જરાય ઓછો થયો ન હતો. પ્રથમ દિવસે ગોળાફેંકની સ્પર્ધા અત્યંત સફળતાપૂર્વક સંપન્ન થઈ હતી. ત્યારબાદ મેળાના બીજા દિવસે વાતાવરણને અનુકૂળ રહીને સાતોડી, કબડ્ડી, વોલીબોલ, ખો-ખો, એથ્લેટિક્સ અને લોકપ્રિય 'લાડવા ખાવાની હરીફાઈ' જેવી મજેદાર રમતોનું આયોજન કરવામાં આવ્યું હતું. વડોદરા, સાણંદ, જૂનાગઢ, સુરત અને દ્વારકા સહિત રાજ્યના ખૂણે-ખૂણેથી આવેલા ખેલાડીઓએ આ સ્પર્ધાઓમાં ભાગ લઈને ખરાખરીનો જંગ જમાવ્યો હતો.
મેદાન પર ગુંજ્યો ‘ગર્લ પાવર’ અને રમતવીરોનો જુસ્સો
આ ગ્રામીણ ઓલિમ્પિક્સમાં દીકરીઓએ પણ મેદાન મારીને શાનદાર પ્રદર્શન કર્યું હતું. રાજકોટથી આવેલી વોલીબોલ ખેલાડી અર્શાલી બાલાસરા અને તેમની ટીમે વોલીબોલ ઉપરાંત કબડ્ડી, ખો-ખો અને રસ્સાખેંચ જેવી રમતોમાં ઉત્કૃષ્ટ રમત બતાવી હતી. દ્વારકાથી આવેલા ખેલાડી જેઠવા પરાક્રમસિંહે પણ આ આયોજનને વખાણતા જણાવ્યું હતું કે આવા મંચથી ગ્રામીણ કક્ષાના ખેલાડીઓને તાલુકા, જિલ્લા અને રાજ્ય કક્ષાએ પોતાની દેશી રમતોનું કૌશલ્ય દેખાડવાની સુવર્ણ તક મળી રહે છે. અન્ય એક ખેલાડી નીલ પનારાએ પણ સરકારના આ સુંદર આયોજનથી યુવા ખેલાડીઓને રમતગમતમાં આગળ વધવાની પ્રેરણા મળતી હોવાનું જણાવ્યું હતું.

લોકકલા, ગાયન અને પરંપરાગત વાજિંત્રોનો અનોખો સંગમ
રમતગમતની સાથેસાથે સાંસ્કૃતિક પ્રવૃત્તિઓનું પણ એટલું જ ભવ્ય આયોજન જોવા મળ્યું હતું. જિલ્લા યુવા વિકાસ અધિકારી ભરતસિંહ ગોહિલના માર્ગદર્શન હેઠળ યોજાયેલી 'તૃતીય પારંપરિક ગ્રામીણ સ્પર્ધા'ના પ્રથમ દિવસે રાવણહથ્થો, મોરલી, ઝાંઝ અને કરતાલ જેવાં પરંપરાગત વાજિંત્રોનું વાદન થયું હતું. બીજા દિવસે લોકગીત, ભજન, દુહા-છંદ, ભવાઈ, ભરતગૂંથણ અને લાકડી ફેરવવાની હરીફાઈઓ યોજાઈ હતી, જેમાં કલાકારોએ અદ્ભુત કૌશલ્ય પ્રદર્શિત કર્યું હતું. જ્યારે ત્રીજા દિવસે લોકનૃત્ય, હુડો, રાસ અને પારંપરિક વેશભૂષા જેવી સ્પર્ધાઓ મેળાર્થીઓ માટે મુખ્ય આકર્ષણનું કેન્દ્ર બની હતી.
પ્રોત્સાહન અને સરકારની કટિબદ્ધતા
ખેલાડીઓ અને કલાકારોને પ્રોત્સાહિત કરવા માટે સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત તરફથી તમામ સહભાગીઓને ટી-શર્ટ અને કેપ આપવામાં આવ્યા હતા. વિજેતા બનતા ખેલાડીઓ તેમજ કલાકારોને પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમાંક મુજબ સ્થળ પર જ પ્રમાણપત્ર, મેડલ અને રોકડ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા.

જિલ્લા રમત વિકાસ અધિકારી પાર્થ ચૌહાણ અને જિલ્લા યુવા વિકાસ અધિકારી ભરતસિંહ ગોહિલે જણાવ્યું હતું કે, આપણી પ્રાચીન સાંસ્કૃતિક વિરાસત અને દેશી રમતો લુપ્ત ન થાય તેમજ ગ્રામીણ સ્તરેથી છુપાયેલી પ્રતિભાઓ બહાર આવીને રાષ્ટ્રીય તથા આંતરરાષ્ટ્રીય સ્તરે પહોંચે તે જ રાજ્ય સરકારનો મુખ્ય હેતુ છે. ‘ખેલ મહાકુંભ’ અને ‘ગ્રામીણ ઓલિમ્પિક’ જેવા નવતર આયોજનો દ્વારા ગુજરાત સરકાર યુવાનોમાં રમતગમત અને સંસ્કૃતિ પ્રત્યે નવી ઊર્જા ફૂંકી રહી છે.
