Surendranagar News: આજે ચોટીલામાં ફ્યુનિક્યુલર સિસ્ટમનું ભુમિપૂજન, ભક્તોને માં ચામુંડાના દર્શન કરવા હવે 635 પગથિયાં ચડવા નહીં પડે

By: Dharmendra ThakurEdited By:Dharmendra ThakurPublish Date: Sat, 25 Nov 2023 10:19 AM (IST)Updated: Sat, 25 Nov 2023 10:30 AM (IST)
surendranagar-news-chotila-chamunda-mataji-temple-funicular-system-bhoomi-pujan

Surendranagar News: સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલા ચોટીલામાં આધ્યશક્તિ માં ચામુંડા બિરાજમાન છે. અહીં માતાજીના દર્શન કરવા માટે આવતા ભક્તો કુલ 635 પગથિયાં ચડીને ડુંગર પર પહોંચે છે. ત્યારે હવે માતાજીના દર્શન કરવા માટે આવતા ભક્તોને લઈને મોટા સમાચાર મળી રહ્યા છે. આજે ચોટીલા ડુંગર તળેટી ખાતે ફ્યુનિક્યુલર સિસ્ટમનું ભુમિપૂજન કરવામાં આવનાર છે. આ સિસ્ટમ કાર્યરત થઈ ગયા પછી ભક્તો માત્ર 30 રૂપિયામાં ઉપર જઈ માતાજીના દર્શન કરી પરત આવી શકશે.

આવી જ સિસ્ટમ મહારાષ્ટ્રના નાસિક નજીક આવેલ સપ્તશ્રુંગી માતાજીના મંદિરે કાર્યરત છે. રાજ્યના અન્ય પવિત્ર યાત્રાધામોમાં રોપ-વેના પ્રોજેકટ સફળતાપૂર્વક કાર્યરત છે. અંબાજી, પાવાગઢ, જુનાગઢ સહિતના ધાર્મિક સ્થાનોમાં રોપ-વે આવેલા છે. અગાઉ ચોટીલામાં પણ રોપવેની તૈયારી દર્શાવવામાં આવી હતી. જો કે, મામલો હાઈકોર્ટમાં પહોંચ્યો છે. મળતી માહિતી પ્રમાણે, અંદાજે રૂ. 40 કરોડથી વધુના ખર્ચે સિસ્ટમ બે વર્ષમાં તૈયાર થઈ જશે.

naidunia_image

હવે ચોટીલા ડુંગર મહંત પરિવારના પ્રયાસો બાદ ચોટીલા ડુંગર ઉપર ફ્યુનિક્યુલર સિસ્ટમ લગાવવામાં આવનાર છે. આ નિર્ણયને લઈને મહંત પરિવાર અને શ્રધ્ધાળુઓમાં આનંદની લાગણી ફેલાઈ છે. આ ફ્યુનિક્યુલર સિસ્ટમ ચાલુ થયા બાદ ભક્તોને 635 પગથિયા ચડવા નહીં પડે. બાળકો-વડીલોને મોટી રાહત મળશે અને તેઓ આરામથી માતાજીના દર્શન કરી શકશે.

ફ્યુનિક્યુલર સિસ્ટમનો પોઈન્ટ ચોટીલા ડુંગર ઉપર ચડવાના મુખ્ય પ્રવેશદ્વારની ડાબી બાજુ બનાવવામાં આવનાર છે. આજે સવારે સવારે 11-30 કલાકે ડુંગર તળેટી ખાતે ફ્યુનિક્યુલર સિસ્ટમ ભૂમિપૂજન કરવામાં આવનાર છે, જેમાં કેન્દ્રીય રાજ્યમંત્રી અશ્વીનીકુમાર ચૌબે, સુરેન્દ્રનગરના સાંસદ અને કેન્દ્રીય મંત્રી ડો. મહેન્દ્રભાઈ મુંજપરા, કર્ણાટકના પુર્વ રાજ્યપાલ વજુભાઈ વાળા, નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણા સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહેશે.

ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો ગુજરાતી જાગરણની ન્યૂઝ એપ.