સુરેન્દ્રનગરમાં બનશે ભવ્ય BAPS સ્વામિનારાયણ મંદિર, નિર્માણકાર્ય પૂર્ણ ન થાય ત્યાં સુધી રોજ એક 'જેન-ઝી' યુવા કરશે નિર્જળા ઉપવાસ!

આ સ્વામિનારાયણ મંદિરના બાંધકામ માટે ખાસ રાજસ્થાનના આરસનો ઉપયોગ થશે.

By: Purvalak DabhiEdited By:Purvalak DabhiPublish Date: Fri, 21 Aug 2026 07:44 AM (IST)Updated: Fri, 21 Aug 2026 07:44 AM (IST)
surendranagar-new-baps-swaminarayan-temple-construction-gen-z-youth-fasting
Surendranagar BAPS Swaminarayan Mandir

Surendranagar BAPS Swaminarayan Mandir: સ્વામિનારાયણ BAPS સંસ્થાના મહંત સ્વામી મહારાજના સંકલ્પથી સુરેન્દ્રનગર શહેરમાં 2 એકર જમીન પર એક ભવ્ય મંદિરનું નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે. આ BAPS સ્વામિનારાયણ મંદિરના ભવ્ય બાંધકામ માટે ખાસ કરીને રાજસ્થાનના આરસનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.

20 એકરમાં પથરાયેલું હશે સંકુલ 

આ અદભુત BAPS સ્વામિનારાયણ મંદિરનું સમગ્ર સંકુલ કુલ 20 એકર જેટલી વિશાળ જમીન પર ફેલાયેલું હશે. આ સંકુલમાં હરિભક્તો માટે વિવિધ વ્યવસ્થાઓ ઉભી કરવામાં આવશે. જેમાં 4,000 થી વધુ હરિભક્તો એક સાથે બેસી શકે તેવો વિશાળ સત્સંગ હોલ હશે. આ ઉપરાંત અક્ષર પુરુષોત્તમ મંડપમસત્સંગ સભા હોલ અને નીલકંઠ અભિષેક મંડપમ પણ હશે.

ત્યાગ અને સમર્પણનો મહિમા 

આ મંદિરના નિર્માણની સૌથી વિશિષ્ટ અને પ્રેરણાદાયી બાબત એ છે કે તેના નિર્માણમાં માત્ર આર્થિક દાન જ નહીં, પરંતુ ભક્તોના અનોખા ત્યાગ અને સમર્પણની ગાથા જોવા મળી રહી છે. વર્ષ 2028 સુધીમાં આ મંદિરનું નિર્માણ કાર્ય પૂર્ણ થશે, ત્યાં સુધી દરરોજ એક ‘જેન-ઝી’ (નવી પેઢીનો યુવાન) ચોવીસ કલાક માટે નિર્જળા ઉપવાસ કરશે. 

આ અનોખા ત્યાગના સંકલ્પ માટે હાલમાં 150 જેટલા યુવાનોની સાંકળ રચાઈ છે. આ ઉપરાંત, નાના ભૂલકાંઓ પણ પોતાની સૌથી વ્હાલી વસ્તુઓ જેવી કે ચોકલેટ અને મીઠાઈઓનો સ્વેચ્છાએ ત્યાગ કરીને મંદિરના નિર્માણમાં પોતાનું યોગદાન આપી રહ્યા છે.

નવી પેઢીમાં થશે સંસ્કૃતિનું સિંચન 

મંદિરના કોઠારી ધર્મચિંતન સ્વામીએ આ ભક્તિમય વાતાવરણ અંગે જણાવ્યું હતું કે, આ મંદિરના નિર્માણ કાર્યની સાથે-સાથે નવી પેઢીના યુવાનોમાં પણ સંસ્કૃતિનું ઉત્તમ સિંચન થશે. મંદિરની સેવામાં જોડાવા માટે કેટલાક યુવાનોએ રોજ મંત્ર પાઠ (50 માળા) કરવાનો દૃઢ નિર્ણય લીધો છે. તો વળી કેટલાક યુવાનો આસપાસના વિસ્તારોમાંથી પસ્તી ઉઘરાવવાની સેવા કરી રહ્યા છે, અને આ પસ્તી વેચીને તેમાંથી મળનારા તમામ નાણાંનું મંદિર નિર્માણમાં દાન આપીને પોતાની સેવા પ્રદાન કરી રહ્યા છે.