Surendranagar News: સુરેન્દ્રનગર શહેરમાંથી જિમમાં યુવતીઓના અંગત ફોટો વીડિયો ઉતારી લઈને બ્લેકમેલિંગ કરવામાં આવી હોવાનો સનસનાટીભર્યો કિસ્સો સામે આવ્યો છે. સુરેન્દ્રનગર શહેરના જાણીતા જિમનો સંચાલક યુવતીઓ સાથે નજીકના સંબંધો બનાવી તેમના અંગત ફોટો અને વીડિયો મેળવીને બ્લેકમેલિંગ કર્યો હોવાનો ગંભીર આક્ષેપ સામે આવ્યો છે. આ મામલો સામે આવતા જ સુરેન્દ્રનગર પોલીસે ત્વરિત અને કડક કાર્યવાહી કરી છે.
જિમ સંચાલક સામે ગંભીર આક્ષેપ
મળતી વિગત મુજબ, શહેરના 80 ફૂટ રોડ પર આવેલા 'ક્લબ 71' જિમનો સંચાલક અમીન મુલતાની યુવતીઓ સાથે નજીકના સંબંધ બનાવીને તેમના અંગત ફોટો-વીડિયો મેળવીને બ્લેકમેલિંગ કરતો. જેની સામે ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા હતા. ઘટનાની ગંભીરતાને ધ્યાને લેતાં પોલીસ અને વહીવટી તંત્ર હરકતમાં આવ્યું હતું. તેમજ આ હાઈપ્રોફાઈલ કેસની તપાસ માટે ASP અને પોલીસ વિભાગના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા. તેમજ આરોપી જિમ સંચાલકની અટકાયત કરી હતી.
પોલીસે ડિજિટલ પુરાવાઓ ભેગા કર્યા
ઘટના સામે આવતાં પોલીસ વિભાગે ટીબી હોસ્પિટલ અને 80 ફૂટ રોડ પર આવેલી તેનું જીમ અને તેની ઓફિસોને સીલ મારી દીધા છે. તેમજ પીજીવીસીએલની ટીમ પણ સત્વરે ઘટનાસ્થળે પહોંચીને વીજ કનેક્શન કાપ્યું છે. સમગ્ર મામલે પોલીસે આરોપીના જિમ અને ઓફિસમાંથી ડિજિટલ પુરાવાઓ એકત્રિત કરવાના ભાગરુપ વોટ્સએપ ચેટ, પેનડ્રાઈવ, અને જિમમાં લગાવેલ સીસીટીવી ફૂટેજ કબજે કરીને આરોપી જિમ સંચાલક અમીન મુલતાનીની કડક પૂછપરછ હાથ ધરી છે.
પોલીસે કાર્યવાહી વધારે તેજ કરી
હાલ સુરેન્દ્રનગર પોલીસની ટીમ જિમ સાથે સંકળાયેલા લોકો અને સ્ટાફની પૂછપરછ કરી છે. તેમજ આ હાઈપ્રોફાઈલ કેસમાં કેટલા લોકો સંડોવાયેલા છે. આ કેસમાં કઈ કઈ યુવતીઓ ભોગ બની છે. તેમજ ડિજિટલ પુરાવામાં શું માહિતી મળે છે. તે સમગ્ર પુરાવાઓને ધ્યાને રાખીને કાર્યવાહી વધુ તેજ કરી છે.
