ચોટીલા: બદલીના સમાચાર બાદ રડી પડ્યા લોકો, SDM એચ.ટી. મકવાણાએ રાત્રે 12:30 વાગ્યા સુધી રજૂઆત સાંભળી

મુલાકાતી દિવસે અનેક લોકોએ પ્રાંત અધિકારી એચ.ટી. મકવાણાની શુભેચ્છા મુલાકાત લીધી હતી.

By: Purvalak DabhiEdited By:Purvalak DabhiPublish Date: Tue, 18 Aug 2026 02:10 PM (IST)Updated: Tue, 18 Aug 2026 02:10 PM (IST)
surendranagar-chotila-sdm-ht-makwana-transfer-public-emotion-goodwill-visit
Chotila SDM H.T. Makwana

Chotila SDM H.T. Makwana: ચોટીલામાં વહીવટી તંત્ર અને નાગરિકો વચ્ચેના આત્મીય સંબંધોનું એક દુર્લભ ઉદાહરણ જોવા મળ્યું છે. ચોટીલાના નાયબ કલેક્ટર એચ.ટી. મકવાણાએ પોતાની બદલીના સમાચાર વચ્ચે પણ નાગરિકોની સેવા અને રજૂઆતોને અગ્રતા આપી હતી. આ દરમિયાન કેટલાક લોકો ભાવુક થયા હતા અને રડી પડ્યા હતા.

લોકો ધ્રુસકે ને ધ્રુસકે રડી પડ્યા

ગુજરાત સરકાર દ્વારા હાલમાં જ ચોટીલાના નાયબ કલેક્ટર એચ.ટી. મકવાણાની પણ બદલી કરવામાં આવી છે. બદલીના સમાચાર વચ્ચે પણ આ અધિકારીએ નાગરિકોની સેવાને અગ્રતા આપી હતી. બદલીના સમાચાર બાદ યોજાયેલા પ્રથમ મુલાકાતી દિવસે કચેરી ખાતે અપેક્ષા કરતા અનેકગણી વધુ ભીડ ઉમટી પડી હતી.

ચોટીલાના વિવિધ ગ્રામ્ય વિસ્તારમાંથી 517 થી વધુ નાગરિકો અહીં પહોંચ્યા હતા. રજૂઆત દરમિયાન અનેક લોકો ભાવુક થઈ ગયા હતા અને પોતાના પ્રિય અધિકારીની બદલીના વિચાર માત્રથી ધ્રુસકે ને ધ્રુસકે રડી પડ્યા હતા. આ દ્રશ્યોએ સાબિત કર્યું હતું કે એક અધિકારી જો નિષ્ઠાથી કામ કરે તો જનતાના હૃદયમાં કેવું સ્થાન મેળવી શકે છે.

કૃતજ્ઞતા વ્યક્ત કરવા ઉમટી જનતા

આ દિવસની સૌથી મોટી ખાસિયત એ રહી કે કચેરીએ માત્ર સમસ્યાઓ લઈને આવનાર લોકો જ નહોતા. અનેક નાગરિકો એવા પણ હતા જેમને કોઈ ફરિયાદ નહોતી, પરંતુ તેઓ માત્ર નાયબ કલેક્ટર એચ.ટી. મકવાણાને મળીને તેમની કામગીરી બદલ શુભેચ્છા અને કૃતજ્ઞતા વ્યક્ત કરવા આવ્યા હતા. અધિકારી પ્રત્યેનો આટલો ઉમળકો અને વિશ્વાસ વહીવટી સ્તરે એક અનુસરવા જેવો દાખલો છે.

રાત્રે 12:30 સુધી પ્રશ્નોનો નિકાલ કર્યો 

મુલાકાતી દિવસે લોકોની સંખ્યા આટલી મોટી હોવા છતાં, એચ.ટી. મકવાણાએ કોઈપણ નાગરિકને સાંભળ્યા વગર પાછા ન જવા દીધા. તેમણે સમયની મર્યાદા નેવે મૂકીને મોડી રાત્રે 12:30 વાગ્યા સુધી દરેક વ્યક્તિની વાત સાંભળી હતી. જે પ્રશ્નોનો સ્થળ પર નિકાલ શક્ય હતો તેનો તાત્કાલિક ઉકેલ લાવ્યો, જ્યારે અન્ય પ્રશ્નો માટે સંબંધિત વિભાગોને સૂચના આપી હતી.