સુરેન્દ્રનગરઃ લખતરના લીલાપુર ગામમાં આવેલાં અંડરપાસમાં વરસાદ બાદ પાણી ભરાઈ ગયું હતું. જેને લીધે એમ્બ્યુલન્સ પહોંચી શકી નહોતી અને ડાયાબિટીસ વધી જતાં એક વૃદ્ધાનું સારવારના અભાવે મોત થયું હતું.
લખતરમાં ગત બુધવારે ધોધમાર વરસાદ થયો હતો. જેને લીધે લીલાપુરના અંડરપાસમાં પાણી ભરાઈ ગયું હતું. આ દરમિયાન લીલાપુર ગામના મંજુલાબેન જામનાપુરા નામના વૃદ્ધાનું ડાયાબિટીસ વધી જતા 108 એમ્બ્યુલન્સને સારવાર માટે જાણ કરી હતી.
અંડરપાસમાં પાણી ભરાયેલું હોવાથી એમ્બ્યુલન્સને પરત જવાની ફરજ પડી હતી. આ તરફ ડાયાબીટીસ વધી જતા ગંભીર સ્થિતી થઈ જતા મંજુલાબેનનું સારવારના અભાવે મૃત્યુ થયુ હતુ. આ ઘટના બાદ લખતર ઈન્ચાર્જ મામલતદાર એમ.જે. નાકીયા, લીલાપુર ગામના સરપંચ અરવિંદભાઈ જાખણીયા, તલાટી હરપાલસિંહ કટારીયા વિગેરેએ રેલવે અન્ડરપાસની મુલાકાત લીધી હતી. આગામી સમયમાં વરસાદના પાણી ન ભરાય તે માટે રેલવેના અધિકારીઓને સ્થળ ઉપર બોલાવી પાણીના નિકાલની વ્યવસ્થા કરવા, મેડીકલસેવા, સ્કુલ વાહન-એસ.ટી. વ્યવસ્થા અને રાહદારીઓને મુશ્કેલી ન પડે તે માટે પાણી નિકાલનું આયોજન કરવા જણાવ્યું હતું.