Surendranagar News: સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ શહેરમાં જમીન વિવાદના મનદુખને કારણે વધુ એક ગંભીર ઘટના સામે આવી છે. થાનગઢના ધોળેશ્વર વિસ્તારમાં શનિવારે રાત્રિના સુમારે પાંચ જેટલા શખ્સોએ કાકા-ભત્રીજા પર ગોળીબાર કરવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, સદભાગ્યે મિસ ફાયર થતાં બંનેનો જીવ બચી ગયો હતો, પરંતુ બાદમાં હુમલાખોરોએ લોખંડના પાઈપ વડે હુમલો કરી બંનેને ગંભીર ઇજા પહોંચાડી હતી.
મીસ ફાયર થતાં જીવ બચ્યો
મળતી માહિતી મુજબ, ધોળેશ્વર સ્કૂલ પાસે રહેતા દીપેન ચંદ્રકાંતભાઈ ભરાડ અને પીરજલાલ હરીભાઈ ભરાડ પર તેમની જમીનની બાજુની જમીનના પાળના વિવાદવાળા પાંચ સભ્યોએ હથિયારો, રીવોલ્વર અને લોખંડના પાઈપ સાથે આવીને હુમલો કર્યો હતો. ભત્રીજા દીપેનના જણાવ્યા અનુસાર, હુમલાખોરોએ રીવોલ્વરથી ફાયરિંગ કરી તેમને મારવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ આ સમયે મિસ ફાયર થતાં તેમનો જીવ બચી ગયો હતો.
પાઇપ વડે હુમલો કરી કાકા-ભત્રીજાને ગંભીર ઇજા પહોંચાડી
ગોળીબારનો પ્રયાસ નિષ્ફળ જતાં પાંચેય શખ્સોએ લોખંડના પાઈપ વડે કાકા-ભત્રીજા ઉપર હુમલો કર્યો હતો. આ હુમલામાં ભત્રીજા દીપેનને હાથના ભાગે અને કાકા પીરજલાલને માથાના ભાગે ગંભીર ઇજા થતાં તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
5 શખ્સો સામે ફરિયાદ દાખલ
ઘટનાની જાણ થતાં જ ડીવાયએસપી વિશાલ રબારી અને થાનગઢ પોલીસ સહિતનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે ધસી ગયો હતો અને તપાસ હાથ ધરી હતી. ઇજાગ્રસ્ત યુવકની ફરિયાદના આધારે થાનગઢ પોલીસે જયપાલ ઉર્ફે ભાણો, મેહુલ ઉર્ફે ચચોથો, ગોપાલભાઈ મુલમાઇ અને રાહુલ સહિત કુલ પાંચ શખ્સો સામે હુમલો કરવા અને ઇજા પહોંચાડવા બદલ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
ઘટના સ્થળેથી ફાયરિંગ કરાયેલા કારતૂસ મળ્યા
લીંબડી ડીવાયએસપી વિશાલ રબારીએ જણાવ્યું હતું કે, ઘટનાસ્થળેથી ફાયરિંગના કારતૂસ નથી મળી આવ્યા, પરંતુ રીવોલ્વર લઈને આવ્યા અને ફાયરિંગનો પ્રયાસ કર્યો હોવાથી હથિયારધારાની કલમ હેઠળ પણ ગુનો દાખલ કરીને ઝીણવટભરી તપાસ હાથ ધરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે, માત્ર પંદર દિવસના ટૂંકા ગાળામાં થાનગઢમાં ફાયરિંગની આ બીજી ઘટના છે. અગાઉ નવરાત્રીના પર્વ દરમિયાન છેડતીની ઘટનાના કારણે ગરબી બંધ કરાવવાના મામલે બોલાચાલી બાદ બે શખ્સોએ ત્રણ-ત્રણ રાઉન્ડ ફાયરિંગ કર્યાની ઘટના બની હતી.
