Surendranagar News: આગામી ગ્રામ પંચાયતની ચૂંટણીઓ શાંતિપૂર્ણ માહોલમાં યોજાય તે હેતુથી દારૂની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર અંકુશ મેળવવા રાજકોટ રેન્જ પોલીસની ટીમે મોટી સફળતા મેળવી છે. લીંબડી-રાજકોટ હાઇવે પર ઢેઢુકી ટોલનાકા પાસેથી લોખંડના વાલ્વના પાર્સલની આડમાં સંતાડીને લઈ જવાતો 18.03 લાખની કિંમતનો 10,608 બોટલ વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. પોલીસે દારૂ, ટ્રક અને વાલ્વના બોક્સ સહિત કુલ 1,22,81,081/- નો મુદ્દામાલ કબજે કરી જૂનાગઢના બે આરોપીઓની ધરપકડ કરી છે.
બાતમીના આધારે વોચ ગોઠવી ટ્રક ઝડપી
રાજકોટ વિભાગના નાયબ પોલીસ મહાનિરીક્ષક નિર્લિપ્ત રાયની સૂચના અને પી.આઈ. અપૂર્વ પટેલના માર્ગદર્શન હેઠળ રેન્જ ટીમના પી.એસ.આઈ. પી.એન. મોરી, બી.સી. મિયાત્રા, એસ.પી. ગોહિલ, એ.વાય. ઉધાસ તથા સ્ટાફ પેટ્રોલિંગમાં હતા. દરમિયાન સ્ટાફના દિવ્યેશભાઈ સુવા, નિકુલભાઈ પંપાણીયા અને રવિરાજસિંહ વાળાને ચોક્કસ બાતમી મળી હતી કે, અશોક લેલન ટ્રક (નં. GJ-03-BW-1571) માં પરપ્રાંતીય દારૂનો જથ્થો ભરીને લીંબડી-રાજકોટ હાઇવે પરથી પસાર થવાનો છે. જેના આધારે પી.એસ.આઈ. બી.સી. મિયાત્રા અને ટીમે ઢેઢુકી ટોલનાકા પાસે વોચ ગોઠવી શંકાસ્પદ ટ્રકને અટકાવી તલાશી લીધી હતી.
ટ્રકની તપાસ કરતા તેમાં રાખેલા લોખંડના વાલ્વના પાર્સલોની આડમાંથી અલગ-અલગ બ્રાન્ડની વિદેશી દારૂની કુલ 10,608 બોટલ (કિં. 18,03,360/-) મળી આવી હતી. પોલીસે દારૂનો જથ્થો, ટ્રક અને મોબાઈલ સહિત 28,43,360/- નો મુદ્દામાલ કબજે કર્યો છે. આ ઉપરાંત, આડ તરીકે ઉપયોગમાં લેવાયેલા લોખંડના વાલ્વ ભરેલા 41 બોક્સ (કિં. 94,37,721/-) પણ બી.એન.એસ.એસ. કલમ-106(1) મુજબ અલગથી કબજે કરી કુલ 1,22,81,081/- નો મુદ્દામાલ સાયલા પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે.
પકડાયેલા આરોપી: જાવીદ જાકીરહુશેન મટારી (રહે. મટારી મંઝીલ, ખામધ્રોળ રોડ, જૂનાગઢ) અને આરીફ હુસેનભાઈ સમા (રહે. હુસેની ચોક, રામદેવપરા, જૂનાગઢ).
વોન્ટેડ આરોપી: દારૂનો જથ્થો મંગાવનાર તોસીફ (રહે. જૂનાગઢ) અને માલ ભરી આપનાર શખ્સ.
