Surendranagar: પાટડી પંથકમાં ડીઝલની ભારે અછત, 5 પેટ્રોલ પંપ ખાલીખમ; મીઠા ઉદ્યોગને ફટકો પડવાની આશંકા

મીઠા ઉદ્યોગમાં દરરોજ કુલ 80,000 લિટર ડીઝલની જરૂરિયાત રહે છે.

By: Purvalak DabhiEdited By:Purvalak DabhiPublish Date: Tue, 28 Apr 2026 11:27 AM (IST)Updated: Tue, 28 Apr 2026 11:27 AM (IST)
patdi-diesel-shortage-impact-on-kharaghoda-salt-industry-surendranagar-news
HIGHLIGHTS
  • પાટડી પંથકમાં ડીઝલની અછત
  • 10 લાખ ટન મીઠા પર ખતરો?

Diesel shortage in Patdi: હાલમાં કચ્છના નાના રણમાંથી ખારાઘોડા ખાતે મીઠું ખેંચવાની સિઝન પૂરજોશમાં ચાલી રહી છે. પરંતુ પાટડી પંથકના તમામ 5 પેટ્રોલ પંપ પર ડીઝલનું એક ટીપું પણ ન મળતાં રણમાં 10 લાખ મેટ્રિક ટન મીઠાના ઉત્પાદન પર મોટો ખતરો તોળાઇ રહ્યો છે.

પાટડી પંથકમાં ડીઝલની અછત

ડીઝલ વગર JCB, હિટાચી, ડમ્પર અને ટ્રકો સહિતના સાધનોની લાંબી કતારો લાગી છે, અને વાહનચાલકો ડીઝલ ભરાવવા માટે દૂરના ગામોમાં દોડી રહ્યા છે. સોલ્ટ એસોસિએશનનું માનવું છે કે, જો ડીઝલની અછત આમ જ રહેશે તો બાકીના 10 લાખ મેટ્રિક ટન મીઠાને રણમાંથી બહાર કાઢવું મુશ્કેલ બની જશે.

મીઠા ઉદ્યોગ માટે નિર્ણાયક સમય

ભારતના કુલ મીઠા ઉત્પાદનનું 76 ટકા મીઠું માત્ર એકલા ગુજરાતમાં પાકે છે, અને તેમાં પણ ગુજરાતનું 35 ટકા મીઠું એકમાત્ર કચ્છના નાના રણમાં પાકે છે. સુરેન્દ્રનગર જિલ્લાના ખારાઘોડા અને ઝીંઝુવાડામાં આ વર્ષે અંદાજે 15 લાખ મેટ્રિક ટન મીઠું ઉત્પાદન થવાનો વેપારીઓનો અંદાજ છે. હાલમાં માત્ર 30-35% એટલે કે 5 લાખ મેટ્રિક ટન મીઠાની આવક જ ખારાઘોડા ગંજે પહોંચી શકી છે.

દરરોજ કેટલા ડીઝલની જરૂરિયાત?

ખારાઘોડા સોલ્ટ એસોસિએશનના પૂર્વ પ્રમુખ હિંગોરભાઈ રબારીએ જિલ્લા કલેક્ટરને લેખિત રજૂઆત કરી હતી. આ અંગે તેમણે જણાવ્યું કે, પાટડીમાં કુલ 5 પેટ્રોલ પંપ આવેલા છે. મીઠા ઉદ્યોગમાં રોજના 70,000 લિટર અને છૂટક 10,000 લિટર મળીને દરરોજ કુલ 80,000 લિટર ડીઝલની જરૂરિયાત રહે છે. પરંતુ, છેલ્લા 22 દિવસથી આ જરૂરિયાત સામે રોજનું માત્ર 40,000 લિટર ડીઝલ જ મળી રહ્યું છે, જેના કારણે મીઠા ઉદ્યોગને માઠી અસર પહોંચી છે.

"હાલમાં યુદ્ધની પરિસ્થિતિને કારણે ડીઝલનો સપ્લાય ઓછો છે. ચૂંટણી પરિણામની કામગીરી પૂર્ણ થયા બાદ આ મામલે યોગ્ય કાર્યવાહી કરવાના પ્રયત્નો કરવામાં આવશે." -- જયશ્રીબેન (પુરવઠા મામલતદાર) 

ડીઝલ સપ્લાય ઘટવાનું કારણ શું?

આ ગંભીર સમસ્યા અંગે પુરવઠા મામલતદાર જયશ્રીબેને જણાવ્યું કે, ખેડૂતોને પણ 7-12 ના દાખલા પ્રમાણે બેરલમાં 200 લિટર ડીઝલ આપવાની સૂચના આપવામાં આવી છે. સ્થાનિક આગેવાનોની રજૂઆતના પગલે જિલ્લા પુરવઠા અધિકારી એ.જી. ગજ્જરે પેટ્રોલિયમ કંપનીઓને લેખિતમાં જાણ કરી છે.