Devayat Khavad: દેવાયત ખવડની રાજકારણમાં એન્ટ્રી અંગે તેમના મામાએ કર્યો મોટો ખુલાસો, વિવાદો પાછળનું કારણ પણ સ્પષ્ટ કરાયું

દેવાયત ખવડ રાજકારણમાં પોતાની કારકિર્દી જોઈ રહ્યા છે અને ભારતીય જનતા પાર્ટીના નેતાઓ સાથે તેમના સારા સંબંધો હોવાનું પણ તેમના મામાએ જણાવ્યું છે.

By: Kishan PrajapatiEdited By:Kishan PrajapatiPublish Date: Tue, 16 Sep 2025 02:56 PM (IST)Updated: Tue, 16 Sep 2025 03:27 PM (IST)
gujarati-folk-singer-devayat-khavad-likely-to-contest-assembly-elections-from-bjp-ramkubhai-karpada
HIGHLIGHTS
  • દેવાયત ખવડ છેલ્લા બે વર્ષથી રાજકીય કારકિર્દી ઘડવા માટે પ્રયત્નશીલ છે.
  • તેમના મિત્ર વર્તુળો અને સોશિયલ મીડિયા પરનો મોટો ફોલોવર્સ પણ તેમની રાજકીય એન્ટ્રીની માંગ કરી રહ્યા છે.

Devayat Khavad Latest News: લોક ડાયરાના કલાકાર દેવાયત ખવડ છેલ્લા ઘણા સમયથી ચર્ચામાં છે. હવે તેમના મામાએ દેવાયત ખવડના ભવિષ્યની રાજકીય કારકિર્દી, તેઓ કઈ પાર્ટીમાં જોડાઈ શકે છે અને તેમના સતત વિવાદો પાછળના કારણો વિશે મોટા ખુલાસા કર્યા છે. દેવાયત ખવડ રાજકારણમાં પોતાની કારકિર્દી જોઈ રહ્યા છે અને ભારતીય જનતા પાર્ટીના નેતાઓ સાથે તેમના સારા સંબંધો હોવાનું પણ તેમના મામાએ જણાવ્યું છે.

લોકસાહિત્યકાર દેવાયત ખવડની કથિત હુમલાની ઘટના બાદ, રાજકીય અને સામાજિક વર્તુળોમાં તેના ભવિષ્ય અંગે વિવિધ અટકળો ચાલી રહી છે. આ મામલે રામકુભાઈ કરપડાએ એક નિવેદનમાં જણાવ્યું કે, આગામી સમયમાં જો દેવાયત ખવડ વિધાનસભાની ચૂંટણી લડવાનું નક્કી કરે તો તે ભાજપની ટિકિટ પરથી લડી શકે છે. આ નિવેદને રાજકીય ચર્ચા જગાવી છે.

બીજી તરફ, આ સમગ્ર બબાલના મૂળ કારણ અંગે વાત કરતાં કરપડાએ જણાવ્યું કે, સોશિયલ મીડિયા પર વારંવાર અપલોડ થતા ઉશ્કેરણીજનક વિડિયોઝ આ ઝઘડાનું મુખ્ય કારણ હતા. તેમણે ઉમેર્યું કે, રાજકોટ અને ગીર સોમનાથ બંને જગ્યાએ થયેલા ઝઘડા બાદ સોશિયલ મીડિયા પર સતત ઉશ્કેરણીજનક પોસ્ટ્સ મૂકીને દેવાયત ખવડને ઉશ્કેરવામાં આવ્યા હતા. જોકે, તેમણે સ્પષ્ટપણે કહ્યું કે બહેન-દીકરીઓ પર કરવામાં આવેલી કોઈ પણ અભદ્ર ટિપ્પણી ક્યારેય સહન ન કરી શકાય. આ સાથે તેમણે એ પણ સ્વીકાર્યું કે, સનાથલમાં ડાયરો બુક કરાવ્યા બાદ સમયસર ન પહોંચવું એ દેવાયત ખવડની પણ ભૂલ હતી. તેમણે દેવાયત ખવડના ગામ દુધઇનો ઉલ્લેખ કરતાં કહ્યું કે, ત્યાં ક્યારેય તેમની કોઈ સાથે ઝઘડો કે બોલાચાલી થઈ નથી. હાલમાં દેવાયત ખવડ તલાલા પોલીસ સ્ટેશનમાં રિમાન્ડ પર છે.

તેમના મામા રામકુભાઈ કરપડાએ જણાવ્યું કે, દેવાયત ખવડ છેલ્લા બે વર્ષથી રાજકીય કારકિર્દી ઘડવા માટે પ્રયત્નશીલ છે. તેમનો મુખ્ય ધ્યેય રાજકીય ક્ષેત્રે આગળ વધવાનો છે અને તેઓ આગામી વિધાનસભાની ચૂંટણી લડવા માટે સક્રિયપણે મહેનત કરી રહ્યા છે. તેમના મામાના જણાવ્યા મુજબ, ભાજપના આગેવાનો સાથેની તેમની બેઠકો જોતા તેઓ ભાજપમાં જોડાઈ શકે છે અને ભાજપની ટિકિટ પર ચૂંટણી લડી શકે છે. તેમના મિત્ર વર્તુળો અને સોશિયલ મીડિયા પરનો મોટો ફોલોવર્સ પણ તેમની રાજકીય એન્ટ્રીની માંગ કરી રહ્યા છે. રાજકીય ક્ષેત્રે આવવું એ તેમનો પોતાનો ગોલ હતો અને તેઓ આ વાત મીડિયા સમક્ષ પણ રજૂ કરી ચૂક્યા છે.

દેવાયત ખવડના વિવાદો પાછળના સાચા કારણને સમજવું જરૂરી છે. રાજકોટવાળી ઘટનામાં બહેન-દીકરીઓ પર અભદ્ર ટિપ્પણીઓ કરવામાં આવી હતી અને તેના વીડિયો વારંવાર વાયરલ થયા હતા. દેવાયત ખવડે આ બાબતે પોલીસમાં ફરિયાદ પણ નોંધાવી હતી, પરંતુ પોલીસ દ્વારા કોઈ કાર્યવાહી ન થતાં તેમને ના છૂટકે કાયદો હાથમાં લેવો પડ્યો હતો. આવા બનાવોનું મૂળ કારણ સોશિયલ મીડિયા છે, જ્યાં આવી અભદ્ર ટિપ્પણીઓ કે ગાળાગાળી થતી હોય ત્યારે પોલીસે તાત્કાલિક પગલાં ભરવા જોઈએ. દેવાયત ખવડનો સ્વભાવ ગુસ્સાવાળો નથી, પરંતુ સતત ઉશ્કેરણી થતા માણસ કાયદો હાથમાં લે છે.

સનાથલવાળી ઘટના, જેમાં ધ્રુવરાજસિંહ સંડોવાયેલા હતા, તે અંગે દેવાયતના મામા માને છે કે પ્રથમ ભૂલ દેવાયતની હતી કારણ કે ડાયરો બુક કરાવ્યા પછી અન્ય ડાયરામાં જવું જોઈતું ન હતું. બીજી ભૂલ સનાથલવાળાની હતી; ભગવતસિંહ કે રામભાઈ સજ્જન માણસો છે, પરંતુ તેમના દીકરાઓ અને તેમની ખરાબ સંગતના કારણે આ બનાવ બન્યો. સનાથલવાળા દ્વારા સતત વીડિયો અપલોડ કરવા અને ઉશ્કેરણીજનક ભાષાનો પ્રયોગ કરવાથી પણ આ ઘટના વકરી. કોઈ પણ બહેન-દીકરી પર થતી અભદ્ર ટિપ્પણી સહન થતી નથી. કાઠી હોવાને કારણે, કોઈપણ પદ પર હોય કે સ્ટેજ પર હોય, જો બહેન-દીકરીનું અપમાન થતું હોય તો પગલું ભરવામાં વાર લાગતી નથી.

આ પ્રકારની માથાકૂટો અને કાયદો હાથમાં લેવાના બનાવોનું મુખ્ય કારણ સોશિયલ મીડિયા જ છે. જો પોલીસ સોશિયલ મીડિયા પર ગાળાગાળી કરતા અને ઉશ્કેરણીજનક શબ્દો વાપરતા લોકો સામે પગલાં ભરી આવા લોકોને બંધ કરે, તો આવા બનાવો સદંતર બંધ થઈ શકે છે.