માયાભાઈ આહીરના સમર્થનમાં મેદાને ઉતર્યા ગુજરાતના કલાકારો: કહ્યું- 'કલાકારોને સોફ્ટ ટાર્ગેટ ન બનાવો'

હાલમાં માયાભાઈ આહીરને લઈને ચાલી રહેલા વિવાદ વચ્ચે ગુજરાતના નામાંકિત કલાકારો તેમના સમર્થનમાં આવ્યા છે.

By: Purvalak DabhiEdited By:Purvalak DabhiPublish Date: Sat, 11 Jul 2026 12:33 PM (IST)Updated: Sat, 11 Jul 2026 12:33 PM (IST)
gujarat-artists-unite-in-support-of-mayabhai-ahir-over-tax-statement-controversy
Mayabhai Ahir

Mayabhai Ahir Controversy: છેલ્લા કેટલાક દિવસોથી લોક સાહિત્યકાર અને હાસ્ય કલાકાર માયાભાઈ આહીરને લઈને ચાલી રહેલા વિવાદમાં હવે ગુજરાતના નામાંકિત કલાકારોએ મેદાન સંભાળ્યું છે. રાજ્યના ઈતિહાસમાં કદાચ પહેલીવાર જોવા મળી હોય તેવી મજબૂત એકતા સાથે 20 થી વધુ નામી-અનામી કલાકારોમાયાભાઈના સમર્થનમાં એક સાથે આવ્યા છે, અને આ વિવાદને લઈને આંદોલનના મૂડમાં હોય તેમ લાગી રહ્યું છે.

માયાભાઈ આહીર સાથે જોડાયેલો વિવાદ શું હતો?

તાજેતરમાં યોજાયેલા એક ડાયરામાં માયાભાઈ આહીરે એક નિવેદન આપ્યું હતું જેનાથી અનેક લોકોને ખોટું લાગ્યું છે. માયાભાઈ આહીરે સ્ટેજ પરથી કહ્યું હતું કે, "હવે તો જ્યાં હોય ત્યાં વીડિયા ઉતરે છે. પોલીસને કહે છે કે તમે અમારો પગાર ખાઓ છો. જાણે એના બાપુજીનો ટેક્સ ભરતા હોય એ બધા! તમે અમારો પગાર ખાઓ છો કહેનાર રેશનિંગના ઘઉં ખાતા હોય."

આ નિવેદન બાદ ભારે હોબાળો થયો અને સોશિયલ મીડિયા પર લોકોએ રોષ ઠાલવ્યો હતો. આ ઉપરાંત, રાજકોટના એક સરકારી ડાયરામાં માયાભાઈએ સાડા ત્રણ લાખ રૂપિયા લીધાની વાત સામે આવતા લોકોએ સવાલ ઉઠાવ્યો હતો કે આ પૈસા પણ લોકોના ટેક્સના જ છે, તો તમે કેટલો ટેક્સ ભરો છો તે જણાવો.

naidunia_image

દિગ્ગજ કલાકારોનું સોશિયલ મીડિયા પર સમર્થન

આ વિવાદ વકરતા કીર્તીદાન ગઢવી, રાજભા ગઢવી, સાઈરામ દવે, ગીતાબેન રબારી અને દેવાયત ખવડ જેવા દિગ્ગજ કલાકારોએ પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર માયાભાઈની પ્રશંસા કરતી પોસ્ટ મૂકી છે. આ યાદીમાં જીગ્નેશ કવિરાજ, અલ્પા પટેલ, ઉમેશ બારોટ, વિજયદાન ગઢવી, ભાવેશ આહીર અને બ્રિજરાજદાન ગઢવીનો પણ સમાવેશ થાય છે. આ કલાકારોએ સ્પષ્ટ કર્યું કે, તેઓ માયાભાઈની સાથે છે અને જાહેર ટેકો જાહેર કર્યો છે.

naidunia_image

કલાકારોને સોફ્ટ ટાર્ગેટ બનાવવાનો વિરોધ 

આ મુદ્દે પ્રતિક્રિયા આપતા કિર્તીદાન ગઢવીએ જણાવ્યું કે, કલાકાર હંમેશા સંસ્કૃતિ અને સંસ્કારોને જીવંત રાખવાનું કામ કરે છે અને સમાજના ઉત્થાનમાં ફાળો આપે છે, છતાં તેમને ઘણીવાર સોફ્ટ ટાર્ગેટ બનાવવામાં આવે છે. રાજભા ગઢવીએ પણ આક્રોશ વ્યક્ત કરતા કહ્યું કે સોશિયલ મીડિયા પર માત્ર વ્યુઝ મેળવવા માટે કેટલાક નકારાત્મક માનસિકતા ધરાવતા લોકો કલાકારોને બદનામ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે.

સંગઠનની માંગ અને હકાભા ગઢવીની ચેતવણી

આ પરિસ્થિતિને જોતા, બ્રિજરાજદાન ગઢવીએ અન્ય વ્યવસાયની જેમ કલાકારોમાં પણ મજબૂત એસોસિએશન અને એકતા હોવી જરૂરી ગણાવી છે, જેથી કોઈ પણ કલાકાર પર આફત આવે ત્યારે સૌ સાથે મળીને સ્ટેન્ડ લઈ શકે.

બીજી તરફ, હકાભા ગઢવીએ પણ કડક ચેતવણી આપી છે કે જો કલાકારો એક થઈને સત્યનો સાથ નહીં આપે તો વારાફરતી દરેક કલાકારને બદનામ કરવાની અને ટાર્ગેટ કરવાની કોશિશ કરવામાં આવશે. તેમણે ભાર મૂક્યો હતો કે જ્યારે પણ કોઈ સાથી કલાકાર મુશ્કેલીમાં હોય ત્યારે તમામ કલાકારોએ આ જ પ્રકારે એક થઈને સમર્થન આપવું જોઈએ.