Dhrangadhra accident: ધ્રાંગધ્રા-માલવણ હાઇવે પર ગોઝારો અકસ્માત, કાર પલટી જતાં બે યુવકોનું દુઃખદ મોત

કારમાં સવાર ક્રિપાલસિંહ ઝાલા અને બોનિલભાઈ દેસાઈનું દુઃખદ મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય બે યુવાન સારવાર હેઠળ છે.

By: Purvalak DabhiEdited By: Purvalak Dabhi Publish Date: Tue 30 Dec 2025 01:16 PM (IST)Updated: Tue 30 Dec 2025 01:16 PM (IST)
dhrangadhra-malvan-highway-accident-car-overturns-two-youths-die-two-injured-664654
HIGHLIGHTS
  • ધ્રાંગધ્રા-માલવણ હાઇવે પર સર્જાયો ગોઝારો અકસ્માત
  • હાઈવે પર કાર પલટી જતાં બે યુવકોનું દુઃખદ મોત થયું
  • ઈજાગ્રસ્ત થયેલા બે યુવાન હજુ પણ સારવાર હેઠળ

Dhrangadhra accident: ગતરોજ સોમવારની રાત્રે ધ્રાંગધ્રાના હરીપર ગામ નજીક ગોઝારો માર્ગ અકસ્માત સર્જાયો હતો. ધ્રાંગધ્રા-માલવણ હાઇવે પરથી પસાર થઈ એક કાર પલટી મારી રોડ પરથી નીચે ઉતરી ગઈ હતી. આ જીવલેણ બનાવમાં કારમાં સવાર ચારમાંથી બે યુવકનું મોત થયું છે, જ્યારે અન્ય બે યુવાનો ઈજાગ્રસ્ત થયા હતા.

હરીપર ગામ નજીક હાઇવે પર કાર પલટી ગઈ

આ બનાવ અંગે મળતી માહિતી અનુસાર, અકસ્માતગ્રસ્ત કારમાં ચાર લોકો સવાર હતા. માલવણ તરફથી ધ્રાંગધ્રા આવી રહેલી આ કારના ચાલકે અચાનક સ્ટિયરિંગ પરથી કાબુ ગુમાવ્યો હતો. જે બાદ કાર રોડ પર પલટી મારી ગઈ, અને રોડ પરથી નીચે ઉતરી ગઈ હતી. આ ગંભીર અકસ્માતમાં કારમાં સવાર ચારેય યુવાનોને ગંભીર ઇજાઓ પહોંચી હતી.

જીવલેણ અકસ્માતમાં બે યુવાનોનું મોત

આ બનાવ જોતા જ હાઇવે પરથી પસાર થતા અન્ય વાહનચાલકો અને સ્થાનિક લોકો તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા, અને 108 ઈમરજન્સી સેવાને જાણ કરી હતી. 108 એમ્બ્યુલન્સની મદદથી તમામ ઇજાગ્રસ્તોને નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. હોસ્પિટલ ખાતે સારવાર દરમિયાન ગંભીર ઇજાઓને કારણે ક્રિપાલસિંહ ઝાલા અને બોનિલભાઈ દેસાઈ નામના બે યુવાનોનું દુઃખદ મોત નીપજ્યું હતું.

બે ઈજાગ્રસ્ત યુવાન સારવાર હેઠળ

આ બનવામાં ઈજાગ્રસ્ત થયેલા અન્ય બે યુવાનોને સારવાર હેઠળ રાખવામાં આવ્યા છે. બંને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યા હતા. આ અકસ્માતની જાણ થતાં જ સ્થાનિક પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો, અને વધુ તપાસ હાથ ધરી હતી.