Surendranagar: થાનગઢમાં 181 મહિલા હેલ્પલાઈન ટીમ વરસાદમાં નિઃસહાય ભકતી મહિલા અને બાળકીની વ્હારે આવી, નવું જીવન શરૂ કરવાની આશા મળી

એક અજાણી અસ્થિર મગજની મહિલા પોતાની નાની બાળકી સાથે મૂંઝાયેલી હાલતમાં વરસાદમાં આમથી તેમ ભટકી રહી હતી. એ જોઈને સુરેન્દ્રનગરના એક જાગૃત નાગરિકે 181 અભયમ ટીમને જાણ કરી હતી.

By: Kishan PrajapatiEdited By:Kishan PrajapatiPublish Date: Thu, 10 Jul 2025 11:51 AM (IST)Updated: Thu, 10 Jul 2025 11:51 AM (IST)
181-womens-helpline-rescues-woman-and-child-stranded-in-rain-in-thangadh-surendranagar
HIGHLIGHTS
  • મહિલા પાટણના વતની છે અને તેના પતિનું અવસાન થયું છે.
  • તેણીને 12 મહિનાની એક દીકરી છે અને હાલ તેઓ ગર્ભવતી છે.

Surendranagar News: સુરેન્દ્રનગર જિલ્લામાં થાનગઢ તાલુકામાં 181 મહિલા હેલ્પલાઇનની ટીમે વરસાદી વાતાવરણમાં નિઃસહાય ભટકતી એક મહિલા અને તેની બાળકીને સુરક્ષિત આશ્રય પૂરો પાડી સંવેદનશીલ કામગીરી કરી માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું. એક અજાણી અસ્થિર મગજની મહિલા પોતાની નાની બાળકી સાથે મૂંઝાયેલી હાલતમાં વરસાદમાં આમથી તેમ ભટકી રહી હતી. એ જોઈને સુરેન્દ્રનગરના એક જાગૃત નાગરિકે 181 અભયમ ટીમને જાણ કરી હતી. ફોન આવતાની સાથે જ 181 ટીમના કાઉન્સેલર ચંદ્રિકાબેન મકવાણા, મહિલા પોલીસ કોન્સ્ટેબલ સુનિતાબેન અને પાયલોટ સુરેશભાઈ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયા હતા.

મહિલાનું કાઉન્સેલિંગ કરતા જાણવા મળ્યુ હતું કે, તે પાટણના વતની છે અને તેના પતિનું અવસાન થયું છે. તેણીને 12 મહિનાની એક દીકરી છે અને હાલ તેઓ ગર્ભવતી છે. હાલ તેનું કોઈ ઘર નથી, કોઈ સગાં-સંબંધી નથી તેવું જણાવ્યું હતું. તેઓ માનસિક રીતે પણ અસ્વસ્થ જણાતા હતા.

પીડિત મહિલાને તાત્કાલિક આશ્રયની જરૂર હોવાથી, 181ની ટીમ દ્વારા તેઓને થાનગઢથી સુરેન્દ્રનગર લાવવામાં આવ્યા હતા. ત્યારબાદ, પીડિતાને ટૂંકા અને લાંબા ગાળાનો આશ્રય મળી રહે તે માટે તેમને સખી વન સ્ટોપ સેન્ટરમાં સુરક્ષિત આશ્રય આપવામાં આવ્યો હતો. 181 મહિલા હેલ્પલાઇન ટીમે આવા કપરા સંજોગોમાં એક નિરાધાર મહિલા અને તેની બાળકીને મદદ કરીને પ્રશંસનીય કામગીરી કરી છે, જે સમાજ માટે એક પ્રેરણાદાયક ઉદાહરણ પૂરું પાડે છે.

આ ઘટના 181 મહિલા હેલ્પલાઇનની નિષ્ઠા, સંવેદનશીલતા અને ત્વરિત કાર્યવાહીનું પ્રતિબિંબ છે. આ ટીમની કામગીરીથી નિઃસહાય મહિલા અને તેની બાળકીને માત્ર આશ્રય જ નહીં, પરંતુ નવું જીવન શરૂ કરવાની આશા પણ મળી છે.