Surat News:સુરતમાં શેર ટ્રેડીંગમાં ઇન્વેસ્ટમેન્ટ કરવાથી વધુ નફો મળશે તેવી લોભામણી વાતો કરી ૧૩.૧૦ લાખની ઠગાઈ કરવાના પ્રકરણમાં સુરત સાયબર ક્રાઈમ સેલની ટીમે કેરળ ખાતેથી એક મહિલાને ઝડપી પાડી હતી. પોલીસ તપાસમાં મહિલાએ ટ્રાન્જેકશનના ૩ ટકા કમીશન પર બેંક એકાઉન્ટ સાયબર માફિયાઓને આપ્યું હતું.
મળતી માહિતી મુજબ, સુરતમાં એક ફરિયાદીને શેર ટ્રેડીંગ કરવાથી પાંચ ટકાથી વધુ નફો મળતો હોવાની લાલચ આપવામાં આવી હતી અને સૌ પ્રથમ ચેટીંગ એપ્લીકેશનમાં ગ્રુપમાં એડ કરી તેમની કંપની મારફતે ટ્રેડીંગ કરવા માટે લોભામણી વાતો કરીને બનાવટી તથા કૂટેલેખનવાળી વેબસાઈટની લીંક મોકલવામાં આવી હતી અને ત્યારબાદ તેમાં રજીસ્ટ્રેશન કરાવી ફરીયાદીના નામનું આઈડી બનાવડાવીને તેમની આ બનાવટી વેબસાઈટ મારફતે શેર ટ્રેડીંગ કરવાથી વધુ નફો કમાવી આપવાની લાલચ આપીને ચેટીંગ અપ્લીકેશ્ન ગ્રુપમાં સેબીના બોગસ તથા બનાવટી તા.૨૭-૭-૨૦૨૬ના રોજ લેટરપેડ ઉપર તથા મેસેજથી એકાઉન્ટની ડીટેલો મોકલી હતી અને ફરીયાદી પાસેથી ૧૩.૧૦ લાખ રૂપિયા ટ્રાન્સફર કરાવી લીધા હતા. બીજી તરફ ફરીયાદીએ જયારે રૂપિયા વિડ્રો કરવાની રીક્વેસ્ટ નાખતા રૂપિયા વિડ્રો કરવા દીધા ન હતા અને આમ ઓનલાઈન છેતરપીંડી આચરી હતી. આ મામલે સુરત સાયબર ક્રાઈમ સેલમાં ફરિયાદ નોંધાઈ હતી
આ બનાવમાં પોલીસે કેરળ ખાતેથી સલીના ઉમર ઠાડીયાન [ઉ.૪૬] ને ઝડપી પાડી હતી. પોલીસની પૂછપરછમાં સામે આવ્યું હતું કે મહિલાએ તેના દીકરા સાથે મળીને ફાર્મ બનાવી તે ફર્મના નામે બેંકમાં જોઈન્ટ કરંટ એકાઉન્ટ ઓપન કરાવ્યું અને તે બેંક એકાઉન્ટ ટ્રાન્જેકશનના ૩ ટકા કમીશન ઉપર નાસ્તા ફરતા આરોપીને સાયબર ફ્રોડના રૂપિયાની ગેરકાયદેસર હેરાફેરી કરવા માટે આપ્યું હતું
વધુમાં આરોપીના કરંટ બેંક એકાઉન્ટમાં ૦૯-૧-૨૦૨૬ થી ૨૯-૭-૨૦૨૬ સુધીમાં ૩૯,૭૦,૮૨૪ રૂપિયાના ટ્રાન્જેકશનો થયા છે તેમજ આ બેંક એકાઉન્ટ આધારે નેશનલ સાયબર ક્રાઈમ રીપોર્ટીંગ પોર્ટલ પર ચેક કરતા અલગ અલગ રાજ્યોમાં ૧૨ ફરિયાદો થઇ છે જેમાં ઉતરપ્રદેશ, મહારાષ્ટ્ર, વેસ્ટ બંગાળ તથા તેલગાણા ખાતે કુલ ૪ રજીસ્ટર્ડ એફઆરઆઈ દાખલ થઇ છે. તેમજ પકડાયેલી મહિલાના બેંક એકાઉન્ટમાં ૩૩.૪૦ લાખ સાયબર ફ્રોડના રૂપિયા આવેલા હોવાનું બહાર આવ્યું હતું.
