Surat: સુરતથી ચાર ધામની યાત્રાએ નીકળેલા પરિવારને ઉત્તરાખંડના ઉત્તરકાશી જિલ્લા સ્થિત ભટવાડી તાલુકાના ગંગનાની નજીક ગંગોત્રી નેશનલ હાઈવે પર અકસ્માત નડ્યો હતો તેમની કાર ઊંડી ખીણમાં વહેતી નદીમાં ખાબકી હતી આ દુર્ઘટનામાં વકીલ અને તેમની પુત્રીનું મોત નીપજ્યું છે, જયારે પુત્ર હોસ્પિટલમાં છે અને પત્નીની કોઈ ભાળ મળી નથી.
બીજી તરફ પરિવારે ભારે હૈયે પવિત્ર હરિદ્વારની ભૂમિ ખાતે જ બંનેના અંતિમસંસ્કાર કરવાનો નિર્ણય લીધો હતો. ગઈકાલે (6 નવેમ્બર) સ્વજનોની હાજરીમાં અશ્રુભીની આંખે પિતા-પુત્રીની અંતિમ વિધિ કરવામાં આવી હતી.
આ પણ વાંચો
આ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર, સુરતના કતારગામ વિસ્તારમાં લલિતા ચોકડી નજીક આવેલી શિવાલિક રેસિડેન્સીમાં રહેતા અને વ્યવસાયે વકીલ અશોકભાઈ પટેલ 31 ઓક્ટોબરના રોજ પરિવાર સાથે ચારધામ યાત્રાએ નીકળ્યા હતા. ગંગોત્રીનાં દર્શન પૂર્ણ કર્યા બાદ ગુરુવારે સવારે પરિવાર ઈનોવા કારમાં કેદારનાથ જવા માટે રવાના થયો હતો.
આ દરમિયાન ગંગનાની નજીક પહોંચતાં જ કારચાલકે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો. પરિણામે કાર રસ્તા પરથી સીધી ઊંડી ખીણમાં વહેતી નદીમાં જઈ પડી હતી.
આ અકસ્માતમાં અશોકભાઈ પટેલ અને તેમની પુત્રી રુતિકાનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. રુતિકાએ તાજેતરમાં જ BCAનો અભ્યાસ પૂર્ણ કર્યો હતો અને સરકારી નોકરી મેળવવા માટે તૈયારી કરી રહી હતી. બીજી તરફ, કારમાં સવાર અશોકભાઈનાં પત્ની સુધાબેન અકસ્માત બાદ નદીના તેજ પ્રવાહમાં તણાઈ ગયાં હતાં.
તેમની શોધખોળ માટે સ્થાનિક વહીવટી તંત્ર અને બચાવદળ દ્વારા તાત્કાલિક કામગીરી શરૂ કરવામાં આવી હતી. જોકે, હજુ સુધી સુધાબેનની કોઈ ભાળ મળી નથી અને નદીના ઊંડા પટમાં સર્ચ ઓપરેશન ચાલુ રાખવામાં આવ્યું છે.
સુરતમાં રહેતા પરિવારજનોને આ દુર્ઘટનાની જાણ થતાં જ પટેલ પરિવાર સહિત સગા-સંબંધીઓમાં શોકની લાગણી ફેલાઈ ગઈ હતી. સ્વજનો તાત્કાલિક ઉત્તરાખંડ પહોંચ્યા હતા અને હોસ્પિટલમાંથી અશોકભાઈ તથા રુતિકાના મૃતદેહનો કબજો મેળવ્યો હતો.
બંનેના પાર્થિવ દેહને સુરત લાવવામાં સમય લાગે તેમ હોવાથી પરિવારે ભારે હૈયે હરિદ્વારની પવિત્ર ભૂમિ પર જ અંતિમ સંસ્કાર કરવાનો નિર્ણય લીધો હતો. 6 નવેમ્બરના રોજ પરિવારજનો અને સ્નેહીઓની ઉપસ્થિતિમાં પિતા-પુત્રીને અશ્રુભીની આંખે અંતિમ વિદાય આપવામાં આવી હતી.
આ દુર્ઘટનામાં અશોકભાઈનો 17 વર્ષનો પુત્ર વેદાંત પણ ગંભીર રીતે ઘાયલ થયો છે. ધોરણ 12 સાયન્સમાં અભ્યાસ કરતા વેદાંતને અકસ્માત બાદ તાત્કાલિક ઋષિકેશની AIIMS હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. તેની ગંભીર સ્થિતિને ધ્યાનમાં રાખીને સુરતના સાંસદ મુકેશ દલાલે પણ આ મામલે ત્વરિત રજૂઆત કરી છે. તેમણે હરિદ્વારના સાંસદ ત્રિવેન્દ્ર સિંહ રાવતને પત્ર લખીને વેદાંતને AIIMS ઋષિકેશમાં પ્રાથમિકતા સાથે શ્રેષ્ઠ તબીબી સારવાર અને જરૂરી તમામ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા વિનંતી કરી છે.
હાલ વેદાંતની તબિયત નાજુક હોવાથી તેને હોસ્પિટલના ICUમાં નિષ્ણાત તબીબોની દેખરેખ હેઠળ રાખવામાં આવ્યો છે. ડોક્ટરોના જણાવ્યા પ્રમાણે, તેની હાલની સ્થિતિમાં અન્ય હોસ્પિટલમાં ખસેડવું જોખમી બની શકે છે. વેદાંતની તબિયતમાં સુધારો નોંધાય અને સ્થિતિ સ્થિર બને ત્યારબાદ તેને વધુ અદ્યતન સારવાર માટે એર એમ્બ્યુલન્સની મદદથી અમદાવાદની ઝાયડસ હોસ્પિટલમાં લઈ જવામાં આવશે.
એક તરફ પિતા અને બહેનના નિધનથી પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે, તો બીજી તરફ માતા હજુ લાપતા છે અને પુત્ર જીવન માટે સંઘર્ષ કરી રહ્યો છે. એક જ અકસ્માતે હસતા-રમતા પટેલ પરિવારની ખુશીઓ છીનવી લેતાં પરિવાર સગા સબંધી તેમજ વકીલ આલમમાં ભારે શોકનો માહોલ છવાઈ ગયો છે.
