Surat: સુરતમાં ફટકડાના કારણે બે અલગ અલગ જગ્યાએ આગ લાગવાની ઘટના પ્રકાશમાં આવી છે. ઉધના વિસ્તારમાં ફટાકડાના કારણે ઘરમાં આગ લાગી હતી, જેમાં કપડા, પલંગ, કબાટ સહીત ઘર વપરાશની વસ્તુઓ બગડી ગઈ હતી. જયારે બીજા બનાવમાં કાર્બેઝના ગોડાઉનમાં વેસ્ટેજ કચરામાં આગ ભભૂકી ઉઠી હતી. સદનસીબે આ બંને ઘટનામાં કોઈ જાનહાની થવા પામી નહતી.
પહેલી ઘટના સુરતના ઉધના સ્થિત કાશી નગર સોસાયટીમાં બની હતી. અહી પહેલા માળે રહેતા યુપી-વૃંદાવનના વતની નિકુંજભાઈ દિવાળી વેકેશન નિમિત્તે પરિવાર સાથે ઘર બંધ કરીને વતન ગયા હતા. આ દરમ્યાન સોસાયટીમાં ફટકડાના કારણે ચિનગારી રૂમના પડદા પર પડી હતી, જેના કારણે આગ ભભૂકી ઉઠી હતી. આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા ઘટનાની જાણ ફાયર વિભાગને કરવામાં આવી હતી.
ઘટના સ્થળે પહોંચીને ફાયરના જવાનોએ આગ પર કાબુ મેળવ્યો હતો. ઘરમાં આગના કારણે પલંગ, કપડા, ઇલેક્ટ્રિક વાયરીંગ, પ્રિન્ટર, કબાટ જેવા ઘર વપરાશની વસ્તુઓ બળી ગયી હતી
બીજી ઘટના ઉધના સ્થિત લક્ષ્મીનારાયણ ઇન્ડસ્ટ્રીઝ ખાતે બની હતી અહી કાર્બેઝનું ગોડાઉન આવેલું છે જેમાં વેસ્ટેજ કચરો ભરેલો હતો. દરમ્યાન ગોડાઉનની બાજુમાં ફટાકડા ફોડવાના કારણે ફટકડાની ચિંગારી ઉડીને કચરાના ગોડાઉનમાં પડી હતી જેના કારણે આગ ભભૂકી ઉઠી હતી. આ ઘટનાની જાણ ફાયર વિભાગને કરવામાં આવતા ફાયર વિભાગની ટીમે ઘટના સ્થળે જઈને આગ પર કાબુ મેળવ્યો હતો.
આ ઘટનામાં કોઈ જાનહાની થવા પામી ન હતી પરંતુ પતરાના શેડને નુક્શાન થયું હતું આ બનાવની ગંભીરતાને ધ્યાને રાખી ફાયર કંટ્રોલ રૂમ દ્વારા અલગ-અલગ ફાયર સ્ટેશનો પરથી તાત્કાલિક 7 ફાયર ફાઈટરો ઘટનાસ્થળે રવાના કરાયા હતા. ફાયર જવાનોએ સતત 4 કલાક સુધી ચારેય તરફથી પાણીનો મારો ચલાવી આગને સંપૂર્ણપણે કાબૂમાં લીધી હતી. આગની પ્રચંડ જ્વાળાઓ અને ભારે ગરમીના કારણે ગોડાઉન પર બાંધેલો લોખંડના પતરાનો વિશાળ શેડ ઢીલો પડીને નીચે તરફ નમી ગયો હતો.
