Surat News: સુરત શહેરમાં લિફ્ટની ક્ષમતા કરતાં વધુ લોકો સવાર થઈ જવાના કારણે લિફ્ટ ખોટકાઈ જવાની બે અલગ-અલગ ઘટનાઓ પ્રકાશમાં આવી છે. અમરોલી અને મોટા વરાછા વિસ્તારમાં બનેલી આ બંને ઘટનાઓમાં કુલ 17 લોકો લિફ્ટમાં ફસાઈ જતાં ભારે દોડધામ મચી ગઈ હતી. જોકે, બંને જ કિસ્સામાં ફાયર વિભાગની ટીમે તાત્કાલિક સ્થળ પર પહોંચીને લિફ્ટનો દરવાજો તોડી તમામને હેમખેમ બહાર કાઢી લેતા મોટી દુર્ઘટના ટળી હતી અને સબળ રાહતનો શ્વાસ લીધો હતો.
પ્રથમ ઘટના અમરોલી વિસ્તારમાં આવેલા દેવમ એમ્બ્રો પાર્ક ખાતે બની હતી, જ્યાં લિફ્ટમાં લોકો ફસાઈ ગયા હોવાનો કોલ ફાયર કંટ્રોલ રૂમને મળ્યો હતો. અહીં માત્ર 6 લોકોની મર્યાદિત ક્ષમતા ધરાવતી લિફ્ટમાં અચાનક 13 લોકો સવાર થઈ ગયા હતા. વધુ વજન અને ઓવરલોડ થવાના કારણે ચોથા માળે પહોંચીને લિફ્ટ અચાનક બંધ પડી ગઈ હતી અને ખોટકાઈ ગઈ હતી. લિફ્ટ અચાનક બંધ થઈ જતાં અંદર સવાર તમામ લોકોમાં ભારે ગભરાટ ફેલાયો હતો અને તેમણે બહાર નીકળવા માટે અડધો કલાક સુધી જાતે જ ભારે મથામણ કરી હતી. આખરે મામલો ગંભીર જણાતા ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી, જેથી ફાયરની ટીમે તાબડતોબ ઘટનાસ્થળે પહોંચીને લિફ્ટનો દરવાજો તોડી અંદર ફસાયેલા તમામ 13 લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢ્યા હતા.
આ પણ વાંચો
આવી જ બીજી એક ઘટના મોટા વરાછા સ્થિત રણુજાધામ સોસાયટીના દરબાર ખાતે બની હતી. ત્યાં પણ લિફ્ટમાં ઓવરલોડ અને ટેક્નિકલ ખામી સર્જાતા લોકો લિફ્ટની અંદર જ ફસાઈ ગયા હતા. આ ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમ ત્વરિત કામે લાગી હતી અને ઘટનાસ્થળે પહોંચીને લિફ્ટમાં ફસાયેલા મહિલા સહીત ૪ લોકોને સલામત રીતે રેસ્ક્યૂ કરીને બહાર લાવ્યા હતા. આ બંને સફળ ઘટનામાં કોઈને ઈજા કે જાનહાની થવા પામી ન હતી.
