Surat TET Protest: સુરત ખાતે અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના નેજા હેઠળ મોટી સંખ્યામાં શિક્ષકો દ્વારા TET (શિક્ષક યોગ્યતા કસોટી) પરીક્ષામાંથી મુક્તિ મેળવવા માટે ધરણા પ્રદર્શન કરી કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.
કલેક્ટર કચેરી ખાતે એકત્ર થયેલા શિક્ષકોએ વિવિધ બેનરો અને સૂત્રોચ્ચાર સાથે પોતાનો વિરોધ નોંધાવ્યો હતો. આ ધરણા પ્રદર્શનમાં સુરત મહાનગરના શિક્ષકો મોટી સંખ્યામાં જોડાયા હતા.
શિક્ષકોનું સ્વમાન હણાય તેવા સુપ્રીમના નિર્ણય સામે વડાપ્રધાન હસ્તક્ષેપ કરે
અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ સુરતના મહામંત્રી જીગ્નેશભાઈ ઠાકરે જણાવ્યું કે, કલેકટર કચેરી ખાતે 1700 થી 2 હજાર જેટલા સુરત મહાનગરના શિક્ષકો એકત્ર થયા છે. આજે અહિયાં કલેકટરને આવેદન પત્ર આપવામાં આવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભારત સરકારના શિક્ષણમંત્રીને આ આવેદન પત્ર આપવામાં આવશે.
વર્ષ 2010 પહેલા જે શિક્ષકો ભરતી થયા છે એમને સુપ્રીમ કોર્ટ દ્વારા ચુકાદો આપવામાં આવ્યો છે કે, તેમણે તમામે ટેટની પરીક્ષા પાસ કરવી ફરજીયાત રહેશે. એવામાં 25 વર્ષથી શિક્ષક મિત્રો નોકરી કરી રહ્યા છે, તેમનું હિત જોખમાય તેવી સ્થિતિ ઉભી થઈ છે. સર્વોચ્ચ અદાલતનો નિર્ણય શિક્ષકનું સ્વમાન હણાય એવો છે. આથી પીએમ નરેન્દ્ર મોદી આમાં હસ્તક્ષેપ કરવાની અમારી માંગણી છે.
આ આંદોલન પછી પણ અમારી માંગણી પૂરી નહીં થાય, તો તો આગામી 28 તારીખે રાજકોટ ખાતે ગુજરાત પ્રાંતની કારોબારી બેઠક છે. આ બેઠકની અંદર અમને જે સૂચના મળશે એ મુજબ આગળની રણનીતિ નક્કી કરવામાં આવશે.
