Surat Civil Hospital: તાપી જિલ્લાના વ્યારામાં રહેતા એક શ્રમિક પરિવારની 7 મહિનાની દીકરી રમતા રમતા રમકડાના મોબાઈલ ફોનમાં લાગેલી વાયર સહિતની નાની LED લાઈટ ગળી ગઈ હતી. બાળકીને પ્રથમ વ્યારા અને ત્યારબાદ સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવી, જ્યાં તબીબોએ દૂરબીનથી ચીપીયો નાખીને લાઈટ બહાર કાઢી હતી.
મળતી માહિતી મુજબ, વ્યારા ખાતે રહેતા એક શ્રમિક પરિવારની 7 માસની દીકરી ઘરે રમી રહી હતી. આ દરમિયાન તેણે રમકડાના મોબાઈલની વાયર સાથેની લાઈટ મોઢામાં મૂકી ગળી લીધી હતી. લાઈટ ગળી જતા બાળકીને શ્વાસ લેવામાં તકલીફ ઊભી થઈ હતી. ઘટનાની જાણ થતા દીકરીના પરિવારજનો ચિંતામાં મુકાયા અને દીકરીને વ્યારાની હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ ગયા હતા.
જે બાદ બાળકીને મોડી રાતે સુરતની નવી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં બાળકીને દાખલ કરતાની સાથે જ ENT વિભાગના તબીબોની ટીમ હરકતમાં આવી હતી. બાળકીનો એક્સ-રે અને સીટી સ્કેન કરવામાં આવ્યો. રિપોર્ટમાં સ્પષ્ટ થયું કે બાળકીની શ્વાસનળીની ડાબી બાજુ અઢીથી ત્રણ સેન્ટીમીટર લાંબી વાયર સાથેની LED લાઈટ અટવાયેલી છે.
મોડી રાત્રે જ બાળકીને ઈમરજન્સી ઓપરેશન થિયેટરમાં ખસેડવાનો નિર્ણય લેવાયો હતો. તબીબોએ કોઈ પણ કાપ કૂપ વગર જ દૂરબીનની મદદથી ગળા વાટે ખાસ ચીપિયો અંદર ઉતારીને અંદાજે એક કલાક સુધી ચાલેલા જટિલ ઓપરેશન બાદ વાયર સહિતની લાઈટ હેમખેમ બહાર કાઢવામાં આવી હતી.
