નવી સિવિલ હોસ્પિટલ સુરતમાં સુરક્ષા વ્યવસ્થા વધુ મજબૂત બની, 15 અત્યાધુનિક વોકી-ટોકી ફાળવાઈ

ઇમરજન્સી વિભાગ અને ઓપરેશન થિયેટર, ઇમરજન્સી ગેટ અને હોસ્પિટલના મેઇન ગેટ પર સજ્જ ઉપરાંત સ્ટેમ સેલ જેવા મહત્વના સ્થળો પર તૈનાત સુરક્ષાકર્મીઓ પાસે તેમજ સિક્યોરિટી ઇન્ચાર્જ પાસે આ વોકી ટોકી ઉપલબ્ધ રહેશે.

By: Rakesh ShuklaEdited By:Rakesh ShuklaPublish Date: Mon, 14 Sep 2026 03:48 PM (IST)Updated: Mon, 14 Sep 2026 03:48 PM (IST)
surat-civil-hospital-security-strengthened-with-15-new-walkietalkies

Surat News: સુરતની નવી સિવિલ હોસ્પિટલની સુરક્ષા અને આંતરિક સંકલન વ્યવસ્થાને વધુ સઘન અને ઝડપી બનાવવા તેમજ હોસ્પિટલની સુરક્ષા વ્યવસ્થાને અદ્યતન ટેક્નોલોજીથી સજ્જ કરવાના ભાગરૂપે સિવિલના સુરક્ષા કર્મીઓને સિક્યોરિટી એજન્સી દ્વારા મોટોરોલા કંપનીની 15 નવી વોકી-ટોકી ફાળવવામાં આવી છે. તબીબી અધિક્ષક ડૉ. પારૂલ વડગામાના માર્ગદર્શન તેમજ RMO ડો.કેતન નાયકના સંકલનામાં આ વ્યવસ્થા કરાઈ છે.

નવી સિવિલ હોસ્પિટલ જેવી મોટી જાહેર આરોગ્ય સંસ્થામાં ત્રણ મોટી અને અલગ-અલગ ઇમારતો આવેલી છે અને ઘણીવાર ટેલિફોન કનેક્ટિવિટીમાં મર્યાદાઓ સર્જાતી હોય છે, ત્યારે આ વોકી-ટોકી સિસ્ટમથી 24 કલાક અવિરત અને ત્વરિત સંપર્ક સાધવો અત્યંત સરળ બનશે.

સિવિલના સિક્યોરિટી ઇન્ચાર્જ આર.કે. સિંહે જણાવ્યું હતું કે આ સુવિધાથી હોસ્પિટલના દરેક ફ્લોર પર અને મહત્ત્વના વિભાગો વચ્ચે ત્વરિત વાતચીત થઈ શકશે. આ વોકી-ટોકીની રેન્જ 5 કિલોમીટર સુધીની છે, જેના દ્વારા હોસ્પિટલના ટેરેસથી લઈને બેઝમેન્ટ સુધી તેમજ સ્ટેમ સેલ બિલ્ડીંગથી લઈને મજુરા ગેટ સુધીનો સમગ્ર વિસ્તાર સરળતાથી કવર કરી શકાશે. આ વોકી-ટોકીઓ હોસ્પિટલના વ્યૂહાત્મક સ્થળો પર ગોઠવવામાં આવી છે, જેથી કટોકટીની સ્થિતિમાં કે તાત્કાલિક જરૂરિયાત વખતે તેમજ દર્દીઓ, તેમના પરિવારજનો વચ્ચે ઘર્ષણની સ્થિતિમાં સેકન્ડોમાં મેસેજ પાસ કરી શકાય.

આર.કે. સિંઘે વધુમાં કહ્યું કે, ઇમરજન્સી વિભાગ અને ઓપરેશન થિયેટર, ઇમરજન્સી ગેટ અને હોસ્પિટલના મેઇન ગેટ પર સજ્જ ઉપરાંત સ્ટેમ સેલ જેવા મહત્વના સ્થળો પર તૈનાત સુરક્ષાકર્મીઓ પાસે તેમજ સિક્યોરિટી ઇન્ચાર્જ પાસે આ વોકી ટોકી ઉપલબ્ધ રહેશે. ઘણીવાર હોસ્પિટલ પરિસરમાં ક્યારેક કોઈ બોલાચાલી, ઝઘડો કે અન્ય કોઈ અવ્યવસ્થા ઊભી થતી હોય છે, જેને પહોંચી વળવા અથવા કોઈ અન્ય તાત્કાલિક માહિતી આપવાની હોય ત્યારે ફોન પર વ્યસ્તતાના કારણે થતો વિલંબ હવે નિવારી શકાશે.

વોકી-ટોકીના માધ્યમથી ગેટ પર રહેલા કર્મચારીઓ તરત જ સિક્યોરિટી ઇન્ચાર્જને મેસેજ પાસ કરી શકશે કે કયા ફ્લોર પર કે કયા વિસ્તારમાં મદદની જરૂર છે. આ ઉપરાંત, સિવિલના ઉચ્ચ અધિકારીઓ રાઉન્ડ પર હોય ત્યારે પણ ગાર્ડ દ્વારા ત્વરિત સૂચનાઓ પહોંચાડી શકાશે. આ અત્યાધુનિક સંચાર વ્યવસ્થા શરૂ થવાથી નવી સિવિલ હોસ્પિટલની સુરક્ષા વ્યવસ્થા વધુ સચોટ બનશે અને દર્દીઓ તથા સ્ટાફ માટે સુરક્ષિત વાતાવરણ પૂરું પાડવામાં મદદ મળશે.